રાજકોટ મહાપાલિકા શહેરી વિકાસ વર્ષમાં કેટલા કામો કરી શકશે તેનો ઝીણવટભર્યો રિપોર્ટ સરકાર સ્તરેથી માંગવામાં આવ્યો છે. મનપા પાસે કેટલા કામો ચાલુ છે, ભાવિ કેટલા કામો હાથ ધરવા આયોજન છે, આ વિકાસ કામો માટે કેટલા ઈજારેદાર છે અને તેમની પાસે શું સંશાધનો છે, મનપાનો ટેકનિકલ સ્ટાફ કેટલો છે તેની પણ વિગતો માંગવામાં આવી છે.
શહેરી વિકાસ વર્ષની ઉજવણીમાં રાજકોટને વધારાની ગ્રાંટ આપવા માટે જાહેરાત કરવામાં આવી છે. વર્કિગ વુમન હોસ્ટેલ અને કન્વેન્શન સેન્ટર માટે પણ કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. બંને મેગા પ્રોજેકટ છે. વર્કિગ વિમેન હોસ્ટેલ માટે 49 કરોડ જેવી રકમ મળી છે તો કન્વેન્શન સેન્ટર માટે પણ 25 કરોડ પ્રથમ તબક્કે ફાળવવા જાહેરાત કરી દેવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ વર્ષમાં મહત્તમ વિકાસ કામો થાય તે રીતે આયોજન કરવા જણાવાયું છે. દર સપ્તાહે તેની સમિક્ષા કોન્ફરન્સ પણ થાય છે. ઈજારેદાર તેમની પાસેના સાધનો, કામ કરાવવા માટેના શ્રામિકો તેમજ ટેકનિકલ સ્ટાફ સહિતની વિગતો સાથે માઈક્રો પ્લાનિંગ કરવા તાકીદ કરવામાં આવી છે. માત્ર વિકાસ કાર્યો જ નહિ નગર યાને કે નળી, ગટર, રોશની સહિતની તમામ વિભાગની વિગતો કામના એનાલિસીસ સાથે માગવામાં આવી છે.










