રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પતિ-પત્નીની આત્મહત્યાના બનાવમાં પોલીસ તપાસ દરમિયાન વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના આક્ષેપો સામે આવ્યા છે. મૃતક દંપતીની ઓળખ રમેશ ચાવડા અને ભારતી ચાવડા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ રમેશ ચાવડા લસણના વેપાર સાથે સંકળાયેલા હતા અને વેપાર માટે તેમણે કેટલાક લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આર્થિક વ્યવહારોને લઈને તેમના પર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ વિવિધ પાસાંઓની તપાસ કરી રહી છે.
લાખો રૂપિયા ચૂકવ્યા છતાં ઉઘરાણીનો આક્ષેપ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ગોગન બંધીયાએ રમેશ ચાવડાને રૂ. 4.50 લાખ વ્યાજે આપ્યા હોવાનો આક્ષેપ છે. તેની સામે રૂ. 21 લાખ ચૂકવી દેવાયા હોવા છતાં દરરોજ રૂ. 20 હજારની ઉઘરાણી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. નીશા બુખારીએ રૂ. 4.50 લાખ આપીને તેની સામે રૂ. 9 લાખનું લખાણ કરાવ્યું હોવાનો પણ આક્ષેપ છે. નીઝામ ધુસાએ રૂ. 1 લાખ આપ્યા હતા અને દરરોજ રૂ. 4 હજાર વસૂલતા હોવાનો ઉલ્લેખ તપાસમાં થયો છે. જ્યારે અજયસિંહે રૂ. 2 લાખ આપ્યા બાદ રમેશ ચાવડાની કાર લઈ લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
