સૌરાષ્ટ્રના માછીમારો ઘણી વખતે ફિશીંગ કરતા કરતા પાકિસ્તાની દરિયાઈ સીમામાં પ્રવેશી જતા હોવાથી પાકિસ્તાનની મરીન તેમને પકડી જતી હોવાના બનાવો બનતા રહે છે. માછીમારો આ રીતે નાહક મુશ્કેલીમાં ન ફસાય, સલામતીથી માછીમારી કરી શકે ઉપરાંત દેશની દરિયાઈ સીમા પાક પ્રેરિત આતંકીઓથી સુરક્ષિત રહી શકે એ માટે ઇસરો (ઇન્ડિયન રિસર્ચ સ્પેસ ઓર્ગોનાઈઝેશન)એ વિકસાવેલી જબરદસ્ત GPS સિસ્ટમ હવે સૌરાષ્ટ્રની માછીમારી કરતી મોટા ભાગની બોટોમાં લગાવી દેવાઈ છે.
આ ડિવાઈસ દેશના 4 લાખ કરતાં પણ વધારે માછીમારોની બોટમાં લગાવવાનું ચાલુ છે. હાલમાં આશરે 1 લાખ જેટલી બોટમાં આ જીપીએસ ડિવાઈસ લાગી ગયા છે. ગુજરાતની 24 હજાર જેટલી બોટ, જ્યારે સૌરાષ્ટ્રની 12 હજાર જેટલી બોટો છે, એમાં અનેક બોટમાં આ સિસ્ટમ લાગી ગઈ છે.
અમરેલીના માછીમાર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, હજી આ સિસ્ટમ ટેસ્ટીંગમાં છે. અમરેલી જિલ્લાની અંદાજે 1500 બોટ છે, એમાંથી માત્ર 50 જેટલી બોટમાં જ આ સિસ્ટમ લગાવવાની બાકી છે. તાજેતરમાં જ આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. બોટો ચાલુ થઈ એને માત્ર પાંચ દિવસ થયા છે. એવામાં વાવાઝોડાના કારણે બોટના અકસ્માત થયા અને એના કારણો બધી બોટોએ પરત આવવું પડયું છે. એટલે નિયમિત માછીમારી ચાલુ થાય પછી આ સિસ્ટમની કાર્યક્ષમતાનો ખ્યાલ આવશે.
ઇસરોનું આ ડિવાઈસ દેશની દરિયાઈ સીમા વધુ સલામત બનાવશે. 26/11તરીકે જાણીતા 2008ના મુંબઈ આતંકી હુમલામાં સીમા પારના આતંકીઓ કરાચીથી બોટમાં ગુજરાતના દરિયા સુધી આવ્યા હતા અને ત્યાં પોતાની બોટ છોડીને પોરબંદરની કુબેર બોટનું અપહરણ કરીને મુંબઈ પહોંચ્યા હતા. આવી ઘટના ટાળવા માટે પણ ઇસરોની સિસ્ટમ મદદરૂપ બનશે. આ સિસ્ટમથી હવામાનનું અપડેટ પણ મળશે.