રાજકોટ શહેરના કોટેચા ચોક વિસ્તારમાં આવેલી કેકે હોટેલ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે કરાયેલી જાહેરાત સામે વિવાદ ઊભો થયો છે. હોટેલ તરફથી રૂ. 399 વાળી થાળી માત્ર રૂ. 99માં આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રાહકો પરિવાર સાથે જમવા પહોંચ્યા ત્યારે મેનેજરે આવી કોઈ સ્કીમ ન હોવાનું જણાવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
ભોજન થાળી માત્ર રૂ. 99માં આપવાન ઓફર
રાજકોટના કોટેચા ચોક ખાતે આવેલી કેકે હોટેલ દ્વારા રૂ. 399ની કિંમત ધરાવતી ભોજન થાળી માત્ર રૂ. 99માં આપવાની એક ઓફર જાહેર કરવામાં આવી હતી. આ જાહેરાત જોઈને અનેક નાગરિકો આકર્ષાયા હતા.
હોટેલમાં ગ્રાહકોનો ધસારો
બપોરના સમયે મોટી સંખ્યામાં ગ્રાહકો પોતાના પરિવારજનો સાથે આ ઓફરનો લાભ લેવાના આશયથી સીધા હોટેલ પર ભોજન કરવા માટે પહોંચ્યા હતા. સામાન્ય દિવસો કરતાં આ જાહેરાતના પગલે હોટેલમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો.
મેનેજરે ચોખ્ખો ઇનકાર કરી દીધો
જોકે હોટેલ પર પહોંચ્યા બાદ ગ્રાહકોને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકોએ જ્યારે રૂ. 99 વાળી થાળી અંગે પૂછપરછ કરી ત્યારે મેનેજરે ચોખ્ખો ઇનકાર કરી દીધો હતો. મેનેજરે જણાવ્યું હતું કે હોટેલ તરફથી આવી કોઈ જ સ્કીમ રાખવામાં આવી નથી. આ સાંભળીને પરિવાર સાથે આવેલા ગ્રાહકો સ્તબ્ધ થઈ ગયા હતા. સંચાલકોના આ વલણના કારણે સ્થળ પર હાજર તમામ ગ્રાહકોમાં હોટેલ સામે ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો.
ખોટી જાહેરાત અંગેનો વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટના બાદ ગ્રાહકો દ્વારા હોટેલની ખોટી જાહેરાત અંગેનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. આજે બપોરનો આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં ગ્રાહકો આક્ષેપ કરી રહ્યા છે કે હોટેલે ભીડ ખેંચવા ખોટી જાહેરાત કરી હતી અને ગ્રાહકોને હેરાન કર્યા છે.
આ પણ વાંચો : Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..