રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પાર્ટીનો મેન્ડેટ જાહેર થાય તે પહેલાં જ અનેક દાવેદારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. પ્રશિક્ષણ વર્ગ ચાલુ હોવાથી મેન્ડેટ અંગેનો નિર્ણય મોડો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

61માંથી 59 મંડળીઓ ભાજપ સમર્થિત 

લોધિકા સંઘની ચૂંટણીમાં ચેરમેન પદ અને ડિરેક્ટર પદ માટે ભારે રસાકસી જોવા મળી રહી છે. 61માંથી 59 મંડળીઓ ભાજપ સમર્થિત હોવાનું સામે આવતાં ચૂંટણીને લઈને ગાંધીનગર સુધી લોબિંગ શરૂ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પૂર્વ અને વર્તમાન ચેરમેન સહિત અનેક ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવા જણાવાયું

ભાજપ દ્વારા હાલ તમામ ઇચ્છુકોને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવી છે. જોકે અંતિમ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવશે. ઢોલરીયાએ સ્પષ્ટ કહ્યું કે, પાર્ટી જે ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા કહેશે, તે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચવું પડશે.

27 સપ્ટેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે

27 સપ્ટેમ્બરના બપોરે 3 વાગ્યા બાદ ઉમેદવારી ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે. કેટલા ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે છે અને કેટલાના ફોર્મ યથાવત રહે છે, તેના પરથી ચૂંટણીમાં કયા જૂથનું કેટલું પ્રભુત્વ રહેશે તે સામે આવશે.

આ વખતે અલગ પરિસ્થિતિ સર્જાઈ 

સહકારી ચૂંટણીમાં અગાઉથી ચાલતી મેન્ડેટ પ્રથાને લઈને આ વખતે અલગ પરિસ્થિતિ સર્જાઈ છે. પાર્ટીનો અંતિમ નિર્ણય આવે તે પહેલાં જ મોટી સંખ્યામાં ફોર્મ ભરાઈ જતાં બળવો થવાની શક્યતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે જિલ્લા ભાજપ પ્રમુખે કોઈ વિવાદ ન હોવાનું જણાવીને પાર્ટીના નિર્ણય મુજબ તમામ પ્રક્રિયા આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 


આ પણ વાંચો    :     Sandesh Indepth : દારૂમુક્ત ગુજરાતનો ફ્લોપ શો: કરોડોનો દારૂ, નકલી ફેક્ટરીઓ અને 'ખાખી'ની ખામોશી