રાજકોટ:ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. આ દુશ્મને ઘર-ઘરમાં ડખ્ખા કર્યા છે. તેના પરિણામ સ્વરૂપ હવે માણસમાં સહનશક્તિ જ ખતમ થઈ ગઈ છે. તેના કારણે અનેક ઘરનો હર્યો-ભર્યો માળો વિખાઈ ગયો છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી ઓળખાતા સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ મહિનામાં લોહીના સંબંધની 'કતલે-આમ' થઈ છે. 45 દિવસમાં ફિલ્મોને પણ ટક્કર મારે તેવી એક-એકથી ચડિયાતી થ્રીલર હત્યાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે.


ભાવનગરમાં ગત રવિવારે ફોરેસ્ટ વિભાગના ક્લાસ-વન અધિકારીએ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી લાશને સરકારી ક્વાર્ટરમાં જ દાટી દીધી હતી. ફિલ્મ દ્રશ્યમ જેવી આ સ્ટોરીમાં પ્રથમ તો આરોપી ફોરેસ્ટ ઓફિસરે પરિવાર ગુમ થયો હોવાની કહાની ઘડી હતી. પરિવારને સુરત રહેવું હોય સુરત રહેવા બાબતે દંપતી વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. તે પછી પાછળથી પ્રેમ સંબંધમાં પરિવારને ખતમ કરી લાશ દાટી દીધી હતી.રાજકોટમાં એકાદ સપ્તાહ પહેલાં જામનગર રોડ ઉપર આવેલા નાગેશ્વરમાં વેપારી લાલજીભાઈ પઢીયારે તેની પત્ની તૃષાબેન ઉપર 8 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ પોતે લમણે ગોળી ખાઈ આપઘાત કરી લીધો હતો. જેમાં પત્નીના અનૈતિક સંબંધમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત તૃષાબેનનું પણ બે દિવસ બાદ મોત થયું હતું.

સોરઠ પંથકમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બનતા હાહાકાર મચી ગયો હતો. માતા સમાન ગણાતી સગર્ભા ભાભી અને ભાઈની કિશોરે કરપીણ હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હતી.હત્યાની જાણ થતા પોલીસે કિશોરની અટકાયત કરતા હત્યાકાંડની કબૂલાત આપી હતી. રાજકોટના સણોસરા ગામે માનસિક બીમાર પિતાના ત્રાસથી કંટાળી ભાઈ-બહેને પિતાને તાલીબાની સજા આપી હત્યા કરી હતી. મૃતકના સગીર પુત્ર અને પુત્રીએ પિતાને ઝાડ સાથે બાંધી લાકડીથી ફટકારી મોતને ઘાટ ઉર્તાયા હતા.


  • Follow us on: