રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે મવડી મેઈન રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મવડી મેઈન રોડ પર પુરપાટ ઝડપે આવતી સિટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માત બાદ સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયેલો નજરે પડે છે.

ઉશ્કેરાયેલા લોકોએ બસ પર કર્યો પથ્થરમારો

આ અકસ્માતમાં બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સિટી બસના ડ્રાઈવરની અવિચારી રીતે વાહન ચલાવવાની ટેવ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ બસ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું અને ડ્રાઈવર સાઈડનો બસનો કાચ તોડી ફોડીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવીને ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને બસ ચાલક સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો