રાજકોટ શહેરમાં માતા-પિતાની આંખ ઉઘાડતો અને કાળજું કંપાવી દેતો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 12 વર્ષીય માસુમ સગીરાને કેટરર્સના કામમાં સારી કમાણી અપાવવાની લાલચ આપીને દેહવ્યાપારના દલદલમાં ધકેલી દેવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ હૃદયકંપાવનારી ઘટનાને પગલે સમગ્ર રાજકોટ શહેરમાં અરેરાટી અને ભારે ચકચાર મચી જવા પામી છે.

સતત ચાર દિવસ રૂમમાં પૂરી ગ્રાહક દીઠ રૂ.500 માં વસૂલી

મળતી વિગતો અનુસાર, સગીરાને એક મકાનમાં સતત ચાર દિવસ સુધી બાનમાં રાખીને તેની પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. આરોપીઓ સગીરાને હવસખોરો સમક્ષ સોંપીને ગ્રાહક દીઠ રૂ.500 ની રકમ વસૂલતા હતા. આ દરમિયાન મકાનમાં કંઈક અજુગતું થતું હોવાની શંકા જાગતાં એક જાગૃત પાડોશી મહિલાએ બાળકીની માતાને જાણ કરી હતી. પરિવારજનોએ જ્યારે દીકરીની પ્રેમથી પૂછપરછ કરી ત્યારે બાળકીએ રડતાં રડતાં પોતાની આપવીતી વર્ણવી હતી, જે સાંભળીને માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

પોક્સો હેઠળ ગુનો નોંધી બે મહિલાઓની ધરપકડ

બનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક જાણ કરાતાં આજીડેમ પોલીસ મથકનો કાફલો એક્શનમાં આવ્યો હતો. પોલીસે પોક્સો (POCSO) એક્ટ તેમજ દુષ્કર્મ અને માનવ તસ્કરી સહિતની સખત કલમો હેઠળ ગુનો નોંધીને મુખ્ય આરોપી પાડોશી મહિલા અને તેની બહેનપણીની ધરપકડ કરી લીધી છે. પોલીસે બાળકી પર દુષ્કર્મ ગુજારનારા તમામ હવસખોરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો