રાજકોટ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ફૂડ શાખાએ કડક ઝુંબેશ શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 38 જેટલા ખાણીપીણીના વેપારીઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને વાસી એવો 147 kg અખાદ્ય જથ્થો ઝડપાઈ જતાં તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મનપાની આ આકસ્મિક કાર્યવાહીથી બેદરકાર વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

નિર્મલા રોડ પર 'દેવ ફાસ્ટ ફૂડ' સીલ

ચેકિંગ દરમિયાન નિર્મલા રોડ પર આવેલા જાણીતા 'દેવ ફાસ્ટ ફૂડ' નામના એકમમાં ચોંકાવનારી ગંદકી સામે આવી હતી. મનપાની ટીમે જ્યારે તપાસ કરી ત્યારે સ્ટોરેજ એરિયા અને ફ્રિજની અંદર અખાદ્ય વસ્તુઓની સાથે વંદા, જીવજંતુઓ અને ઉંદરો જોવા મળ્યા હતા. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમાતી હોવાનું માલૂમ પડતાં જ ફૂડ વિભાગે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દેવ ફાસ્ટ ફૂડને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું હતું.

4 પેઢીઓને નોટિસ અને Rs. 14,000 નો વહીવટી ચાર્જ વસૂલ

આ ઉપરાંત, યોગ્ય સ્ટોરેજ સુવિધા ન હોવા અને ફૂડ લાયસન્સ વગર ધંધો કરવા બદલ અન્ય 4 પેઢીઓને કારણદર્શક નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. મનપા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ Rs. 14,000 નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે. ફૂડ શાખાના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવી સરપ્રાઈઝ કવાયત ચાલુ રહેશે અને ગુણવત્તા સાથે સમજુતી કરનારા કોઈપણ વેપારીને બક્ષવામાં નહીં આવે.

આ પણ વાંચો : Surat સાઈબર ક્રાઈમ સેલની મુંબઈમાં મોટી રેડ, બેંક ખાતા ભાડે આપનાર ત્રણ કુખ્યાત આરોપીઓ ઝડપાયા