રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. શિક્ષણ સમિતિના કુલ 12 સદસ્યો પૈકી ભાજપ દ્વારા 11 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપના શહેર પ્રમુખ માધવ દવેએ એક યોજેલી પત્રકાર પરિષદમાં આ નામો જાહેર કર્યા હતા. ભાજપના આ તમામ 11 ઉમેદવારો વિજય મુહૂર્તમાં પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ સમિતિ માટે પોતાના કાર્યકર્તા હાજીભાઇ ઓડિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

શિક્ષિત ઉમેદવારો અને કાર્યકરોને પ્રાધાન્ય

શિક્ષણ સમિતિના ઉમેદવારોની પસંદગી અંગે વિગતો આપતાં શહેર પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, પક્ષમાં કાર્યકર્તાઓની અપેક્ષાઓ ઘણી વધારે હોય છે, પરંતુ પક્ષના મોવડી મંડળ દ્વારા તમામ પાસાંઓની ઊંડાણપૂર્વક વિચારણા કરીને નિર્ણય લેવાયો છે. શિક્ષણ સમિતિ માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને પક્ષ માટે સતત સક્રિય રહેલા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 12 સદસ્યોની આ સમિતિમાં 11 બેઠકો ભાજપ અને 1 બેઠક કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે વહેંચાયેલી છે.

2 સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અને ચૂંટણી પ્રક્રિયા

શિક્ષણ સમિતિમાં સદસ્યો ઉપરાંત રાજ્ય સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવતા બે પ્રતિનિધિઓના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડો. નરેન્દ્ર વિસાની અને કુમારભાઈ શાહની સરકારના પ્રતિનિધિ તરીકે પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિની નિયમ અનુસાર ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવવા માટે દરેક ઉમેદવારને મનપાના 6 નગરસેવકો (કોર્પોરેટરો) નું સમર્થન હોવું અનિવાર્ય છે. તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને આગળની કાર્યવાહી પૂર્ણ કરશે.

આ પણ વાંચો : Surat News : ડાયમંડ ઉદ્યોગમાં 5 વર્ષ બાદ બૂમ, ટેક્સટાઇલ માર્કેટની જેમ હવે રવિવારે પણ ધમધમશે હીરાના કારખાના