રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાળા જાગીને શહેરના ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 75 જેટલી ખાદ્ય પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ખાસ કરીને ફરસાણ, મરચું પાવડર અને ધાણાજીરું સહિતની દૈનિક વપરાશની વસ્તુઓમાં મોટા પ્રમાણમાં ભેળસેળ આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે.
1020 કિલો અખાદ્ય જથ્થો જપ્ત અને 3 પેઢીઓ સીલ
મનપાની આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવો 1020 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો, જેને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભેળસેળ આચરતી 3 ખાદ્ય પેઢીઓને મનપાની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. સાથે જ અયોગ્ય સ્ટોરેજ અને અસ્વચ્છતા જાળવવા બદલ 12 જેટલી પેઢીઓને નોટિસ ફટકારીને સુધારાત્મક સૂચનાઓ આપવામાં આવી છે.
