રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ખેતીવાડી માટેના અનિયમિત વીજ પુરવઠા અને ભારે લોડશેડિંગને કારણે ખેડૂતોમાં રોષની આગ ભભૂકી ઉઠી છે. સુપેડી અને ઝાંઝમેર ગામના રોષે ભરાયેલા ખેડૂતોએ ભેગા થઈને ઉપલેટા સ્થિત જેટકો (JETCO) કચેરીનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે હાલના દિવસોમાં ખેતીના સમયે પૂરતી વીજળી ન મળવાના કારણે તૈયાર પાક મુઝાઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિવારણ લાવવામાં આવતું નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
જેટકો અધિકારી અને ખેડૂત વચ્ચેની ધમકીભરી વાતચીતનો ઓડિયો વાયરલ
કચેરીના ઘેરાવ અને વિરોધ પ્રદર્શન વચ્ચે આ સમગ્ર મામલે એક નવો જ વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ અત્યંત ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક જેટકો અધિકારી અને ખેડૂત વચ્ચે વાતચીત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં અધિકારી દ્વારા ખેડૂત સાથે ઉદ્ધતાઈભરી અને ધમકીભરી ભાષામાં વાતચીત કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરાઈ રહ્યો છે. આ ઓડિયો સામે આવ્યા બાદ ખેડૂત આલમમાં રોષ વધુ ભડક્યો છે.
