રાજકોટની જાણીતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય (PDU) મેડિકલ કોલેજ ખાતે રેગિંગની ગંભીર ઘટના સામે આવતા કોલેજ તંત્ર દ્વારા કડક શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. કોલેજમાં અભ્યાસ કરતા MBBSના કુલ 14 વિદ્યાર્થીઓને રેગિંગના બનાવમાં સંડોવણી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયથી વિદ્યાર્થી આખામાં ભારે ચર્ચા જાગી છે, અને રેગિંગ વિરોધી નિયમોનું કડકપણે પાલન કરાવવાનો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની સંડોવણી મુજબ અલગ-અલગ મુદત માટે સસ્પેન્શન
ઘટનાની ગંભીરતા અને વિદ્યાર્થીઓની સંડોવણીના આધારે કોલેજ સત્તાવાળાઓ દ્વારા અલગ-અલગ સમયગાળા માટે સજા ફટકારવામાં આવી છે.
- સાત વિદ્યાર્થીઓ: બીજા અને ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને બે મહિના માટે શૈક્ષણિક કાર્યક્રમ તેમજ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- બે વિદ્યાર્થીઓ: બીજા વર્ષના 2 વિદ્યાર્થીઓને એક મહિના માટે શૈક્ષણિક કાર્ય અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે.
- પાંચ વિદ્યાર્થીઓ: બીજા વર્ષના અન્ય 5 વિદ્યાર્થીઓને બે અઠવાડિયા માટે શૈક્ષણિક કાર્ય તેમજ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોલેજ મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કેમ્પસમાં રેગિંગ જેવી શિસ્તભંગની પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવા બનાવો સામે સખત પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: Vadodaraની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 5 વિદ્યાર્થી સસ્પેન્ડ, 6 મહિના હોસ્ટેલમાંથી રસ્ટિકેટ