રાજકોટમાં વાતાવરણમાં બદલાવને પગલે રોગચાળાએ માથું ઊંચક્યું છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. છેલ્લા એક જ સપ્તાહમાં સામાન્ય તાવ તેમજ શરદી અને ઉધરસના કેસોમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ત્વરિત હરકતમાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી ઝડપી બનાવી છે.
આરોગ્ય વિભાગના આંકડા અને કેસોની વિગત
આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ શહેરમાં એક જ અઠવાડિયા દરમિયાન તાવ, શરદી અને ઉધરસના કુલ 1,579 જેટલા નવા કેસો નોંધાયા છે. આ સિવાય મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસો પણ સામે આવ્યા છે, જેમાં મેલેરિયાનો 1 અને કમળાનો 1 કેસ નોંધાયો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો આ બદલાતા વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શનનો વધુ ભોગ બની રહ્યા છે.
