રાજકોટમાં આજે સાંજથી લોકમેળાનો પ્રારંભ થશે, લોકમેળાને કૃષિમંત્રી રાઘવજી પટેલ ખૂલ્લો મૂકશે અને 14 થી 18 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે, ભીડને કંટ્રોલ કરવા 5 રસ્તા પર નો-એન્ટ્રી રહેશે, 14 સ્થળોએ ફ્રી પાર્કિંગ અને પાર્કિંગમાં CCTV રહેશે, આ મેળામાં 2 DCP, 3 ACP, 15 PI સુરક્ષામાં તૈનાત રહેશે અને મેળામાં 2,000થી વધુ પોલીસની સુરક્ષા રહેશે. મેળામાં 16 વોચ ટાવર અને ડ્રોનથી રખાશે નજર.
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજે થશે પ્રારંભ
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના જન્માષ્ટમીના પાંચ દિવસીય 'શૌર્યનું સિદૂર' લોકમેળાનું આજે રાંધણછઠ્ઠથી રાજકોટના પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. પાંચ દિવસમાં આઠ લાખથી વધુની જનમેદની ઉમટી પડનાર હોય મેળામાં ભીડને નિયંત્રણ કરવા સૌ પ્રથમવખત આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવશે. મેળામાં કોઈ કચાશ રહે નહીં તે માટે આજે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં મોકડ્રીલ પણ કરવામાં આવી હતી. મેળાનો પ્રારંભ થાય તે પૂર્વે કોન્ટ્રાક્ટર દ્વારા સ્ટોલ ધારકો પાસેથી મંડપનું બેફામ ભાવ પડાવાતા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી.
લોકમેળાના કારણે આ 8 રસ્તા વાહનો માટે બંધ રહેશે
રેસકોર્સ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, (૧) જુની એન.સી.સી. ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ અને બંને બાજુ નો પાર્કિંગ રહેશે. (૨) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સુધી. (૩) સી.આઈ.ડી ક્રાઈમથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી. (૪) સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (૫) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી નો પાર્કિંગ રહેશે. (૬) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી-ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની સખત મનાઈ છે. (૭) વિશ્વા ચોકથી જુની એન.સી.સી. ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી તથા બંને બાજુ નો પાર્કિંગ રહેશે. (૮) મહિલા અંડરબ્રિજથી કિસાનપરા ચોક સુધી ખાનગી લકઝરી બસો માટે પ્રવેશબંધી રહેશે.
વાહન ચાલકો માટે આટલા રસ્તા ખૂલ્લા રહેશે
(૧) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. શ્રોફ રોડ, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક આમ્રપાલી અંડરબ્રિજથી રૈયારોડ તરફ અવર-જવર કરી શકાશે. (૨) મેળા દરમિયાન તમામ ભારે વાહનો માટે રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે. (૩) ખાનગી લકઝરી બસો મહિલા અંડરબ્રિજથી ટાગોર રોડ થઈને જઈ શકશે.









