રાજકોટ જિલ્લાના ચોરડી ગામે તંત્ર સામે ગ્રામજનો અને માલધારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામની ગૌચરની કિંમતી જમીનમાં કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર જ જેટકો (GETCO) કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
મંજૂરી વિના ચાલતી કામગીરી સામે આક્રોશ
સ્થાનિક માલધારીઓ અને ખેડૂતોએ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે કોઈપણ જાતની મંજૂરી કે ગ્રામજનોની સહમતિ વગર જ ગૌચરની જમીન પર દબાણ કરીને વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ અન્યાયી કામગીરી સામે રોષે ભરાયેલા માલધારીઓએ પોતાના માલઢોર સાથે રાખીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જેટકો કંપની સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
