ગુજરાતની સૌથી પ્રદુષિત 13 નદીઓમાં જેતપુરમાંથી પસાર થતી ભાદર નદીનો બીજો નંબર આવતો હોવાનો તાજેતરના નદીઓના બીઓડી આંકડા પરથી જાહેર થયું છે.પરંતુ ડાઇંગ એસોસિએશનના પ્રમુખ આ બીઓડીના આંકડા 2022ના હોવાનો જણાવી લેટેસ્ટ બીઓડી 21.9 હોવાનું અને આ પોતે નહીં પણ GPCBનો આંકડો હોવાનું જણાવી હવે ભાદર નદી પહેલા જેવી પ્રદુષિત નહીં હોવાનો દાવો કર્યો હતો.


[[$googlead]]

ભાદર નદી પ્રદૂષણમાં બીજા નંબરે

ઔદ્યોગિકરણના ફાયદા સાથે નુકશાની પણ ઘણી છે. જેમાં કેમીકલ યુક્ત ફેકટરીઓ અને કારખાનાઓ દ્વારા તેમનું પ્રદૂષિત પાણી કોઈ પણ પ્રકારના શુદ્ધિકરણ વગર છોડી દઈને નદીઓને અતિ પ્રદુષિત કરી નાખી છે.જેમાં તાજેતરમાં જ ગુજરાતની 13 સૌથી પ્રદુષિત નદીઓના બાયોકેમિકલ ઑક્સિઝન ડિમાંડ (બીઓડી)ના આંકડા જાહેર કર્યા હતાં. જેમાં અમદાવાદની સાબરમતી નદીનો 292 બીઓડી સાથે પ્રથમ નંબર જ્યારે જેતપુર પાસે ભાદર નદી 259 બીઓડી સાથે બીજા નંબરની પ્રદુષિત નદી જાહેર થઈ હતી.

[[$alsoread]]

આ આંકડો અત્યારનો નહિ પણ 2022નો છે

આ અંગે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ જણાવ્યું હતું કે, ભાદર નદી પ્રદુષિત હતી તે વાત સાચી અને તેના 259 બીઓડી આંકડો જાહેર થયો તે પણ સાચો છે.આ આંકડો અત્યારનો નહિ પણ 2022નો છે.ત્યારબાદ અમે શહેરભરમાંથી કેમીકલયુક્ત પાણીને વહન કરતી અમારી ગટર બંધ કરી કારખાનાઓનું પાણી ટેન્કર દ્વારા કલેક્શન સંપમાં ઠાલાવવાનું શરૂ કરી નાખ્યું છે. નદી કાંઠે કલેક્શન સંપ હતો તે પણ દૂર કરી નાંખ્યો એટલે અમારા તરફથી આજે એક લીટર પ્રદુષિત પાણી પણ ભાદર નદીમાં છોડવામાં નથી આવતું. પરંતુ 100થી 150 જેટલા સાડીઓના ગેરકાયદેસર એકમો કે જે અમારા સભ્યો નથી તે પ્રદુષિત પાણી સીધુ નદીઓમાં છોડી દે છે.

રિપોર્ટ મુજબ ભાદર નદીનું પાણી પ્રદુષિત નથી

જયંતિભાઈ રામોલિયાએ વધુમાં કહ્યું હતું કે, નગરપાલિકાના ભૂગર્ભ ગટરનું ઘણું ખરું પાણી પણ નદીમાં આવતું હોવાથી તેનું પ્રદુષણ હોઈ શકે છે.તેમ છતાં જીપીસીબીનો પ્રદુષણનો છેલ્લો રીપોર્ટ 2024 પ્રમાણે ભાદર નદીના પાણીનું PH- 7.85, DO-2.40, COD-78.54 અને DOD-21.9 નો છે.આ રિપોર્ટ મુજબ ભાદર નદીનું પાણી પ્રદુષિત નથી.જ્યારે આ અંગે ખેડૂત આગેવાન ગોવિંદભાઇ ડોબરીયાએ જણાવેલ કે, ભાદર નદી પ્રદુષિત હતી અને પ્રદુષિત જ છે.અત્યારે ચોમાસામાં વહેતુ પાણી હોય ત્યારે પણ નદીનું પાણી પ્રદુષિત જ છે.આ પાણીથી અત્યારે પણ ખેતી ન થઈ શકે તેમ નથી.


  • Follow us on: