રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે જેમાં 50 લાખ ઉપરના દસ્તાવેજોની યાદી ઇન્કમટેક્સ વિભાગે એકત્ર કરી છે, અને રાજકોટની DH કોલેજમાં આવેલા સબ રજિસ્ટ્રારની કચેરીમાં મોડી રાત્રી સુધી તપાસ ચાલી, શહેરના સૌથી સમૃદ્ધ વિસ્તારોમાં થયેલા દસ્તાવેજોની વિગતો આઈટી વિભાગે મેળવી છે, દસ્તાવેજ નોંધણીમાં 50 લાખથી વધુના વ્યવહાર કરનાર બિલ્ડરો રડારમાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
તમામ કર્મચારીઓના મોબાઈલ લઈ બંધ કરી દેવાયા
ઈન્કમટેક્ષ વિભાગની ટીમે સર્ચ ચાલુ કરતાની સાથે જ તમામ કર્મચારીઓના મોબાઈલ લઈ બંધ કરી દેવામાં આવ્યા હતા. આવકવેરાની ટીમ દ્વારા મોડી સાંજ સુધી તપાસ કરવામાં આવતા રાજકોટના વડી કચેરીના અધિકારીઓ પણ મુઝવણમાં મુકાઈ ગયા હતા કે આઈટી વિભાગ દ્વારા તપાસ કયાં અનુસંધાને કરવામાં આવી છે.
ઝોન-5માં મોટામવા, નાનામવા વિસ્તારના નોંધાય છે દસ્તાવેજ
ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં શહેરના નાનામવા-મોટામવા વિસ્તારની સોસાયટીઓના દસ્તાવેજની નોંધણી થાય છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં મોટી રકમના દસ્તાવેજની નોંધણી થઈ છે. તેમાં કોઈ બિલ્ડર દ્વારા કરચોરી કરવામાં આવી હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
દર 6 મહિને ITને દસ્તાવેજ નોંધણીનો ડેટા મોકલાય છે
રાજકોટ શહેરની ૮ અને ગ્રામ્ય વિસ્તારની ૧૦ મળી કુલ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવામાં આવતા દસ્તાવેજના ડેટા દર છ મહિને ઈન્કમટેક્ષ વિભાગને મોકલવામાં આવે છે. તેમાંથી આજે શહેરની એકમાત્ર ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી કચેરીમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે.









