રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. મનપાની ટીમે શહેરમાં ખાણીપીણીના 89 જેટલા ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કડક ઝુંબેશ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારી બે જાણીતી પેઢીઓ, 'જય જલારામ લસ્સી' અને 'અડારો રેસ્ટોરન્ટ' ને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ સીલ કરી દેવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વાસી ખોરાકનો નાશ અને 20 હજારનો દંડ વસૂલાયો

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન વિવિધ એકમોમાંથી આશરે 59 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો, જેને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી તાત્કાલિક સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓ પાસેથી કુલ 20,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સ્વચ્છતા અને કાયદાનું પાલન ન કરનારી અન્ય 9 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.

FSSAI એક્ટ હેઠળ નમૂના લેબોરેટરીમાં મોકલાયા

આરોગ્ય વિભાગ દ્વારા માત્ર દંડનીય કાર્યવાહી જ નહીં, પરંતુ ગુણવત્તાની ચકાસણી માટે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એક્ટ હેઠળ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 10 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને ચોક્કસ પૃથ્થકરણ અને ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારો સામે આગળની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો