સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને વિશાળ લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાતા આ મેળાવડામાં આ વખતે સુરક્ષાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચકાસણી બાદ અત્યાર સુધીમાં કુલ 34 માંથી માત્ર 8 મોટા ફજર ફાળકા અને મનોરંજનની રાઈડ્સને જ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી એસ.ઓ.પી. (SOP) ના કડક પાલન બાદ જ બાકીની રાઈડ્સને પરવાનગી આપવામાં આવશે, જેના કારણે ઉત્સવના માહોલ વચ્ચે સંચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સંચાલકો મૂંઝવણમાં અને તંત્ર સુરક્ષાના એસઓપી મુદ્દે કડક
સરકારી નિયમો અને ફિટનેસ સર્ટિફિકેટના કડક અમલીકરણને પગલે રાઈડ્સના સંચાલકો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બીજી તરફ, કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એસ.ઓ.પી.નું અક્ષરશઃ પાલન કરાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સંચાલકો દ્વારા જરૂરી દસ્તાવેજો અને સુરક્ષાના માપદંડો પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ અન્ય રાઈડ્સ શરૂ કરવા દેવામાં આવશે. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે લોકમેળો શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાકીની રાઈડ્સ ચાલુ થઈ શકશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
