રાજકોટ શહેરમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં સપાટો બોલાવીને લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે રાજકોટ શહેર પોલીસને આ આખા ઓપરેશનની ગંધ સુદ્ધાં આવી નહોતી અને એસએમસીએ મસમોટો દરોડો પાડીને સ્થાનિક પોલીસની રહેમનજર અથવા નિષ્ક્રિયતાને ખુલ્લી પાડી દીધી છે.


દારૂ અને વાહનો મળીને કુલ 1 કરોડનો મુદ્દામાલ કબજે

એસએમસીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુવાડવા રોડ પરથી વ્યાપક પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલા બે વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. વાહનોની તલાશી લેતા તેમાંથી અંદાજે રૂ. 70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો તેમજ હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલા બંને મોટા વાહનો સહિત કુલ રૂ. 1 કરોડનો મસમોટો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન પરેશ પટેલ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવ્યો છે.

જંગલેશ્વરનો નામચીન બુટલેગર નીકળ્યો માસ્ટરમાઇન્ડ 

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ મસમોટા દારૂના નેટવર્ક પાછળ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારના નામચીન અને લિસ્ટેડ બુટલેગર ફિરોજ સંધિનું નામ સામે આવ્યું છે. આ વિદેશી દારૂનો જથ્થો ફિરોજ સંધિએ જ મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હાઈપ્રોફાઈલ દારૂના કેસમાં મુખ્ય સુત્રધાર ફિરોજ સંધિ સહિત અન્ય 6 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે. સ્ટેટ મોનીટરીંગ સેલની આ કડક કાર્યવાહી બાદ રાજકોટ પોલીસ કમિશનરેટમાં ફફડાટ મચી ગયો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: