એક સમયે તોતિંગ ભાવોને કારણે લોકોને રડાવતી ડુંગળી આ વર્ષે સૌરાષ્ટ્રમાં ભરશિયાળે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને રડાવી રહી છે. આ વર્ષે 40 વર્ષમાં પહેલી વખત મેડા સ્ટોકની ડુંગળીમાં પણ વેચાણ ઘટયું છે. મહુવા, ગોંડલ જેવા માર્કેટયાર્ડમાં અન્ય દેશોમાં થતી નિકાસ હાલ નબળી ગુણવત્તાના કારણે નહીવત થઈ ગઈ છે. માવઠાથી ડુંગળીના પાક ઉપર વિપરીત અસર થતા હાલમા યાર્ડમા 20 કિલોનાં રૂ.30થી 100 જેવા તદ્દન મફતના ભાવે ડુંગળીનું વેચાણ થઈ રહ્યુ છે. જેથી ખેડૂતોને પડતર પણ ન નીકળતા ખેતરોમાં ડુંગળીના પાક ઉપર ખેડૂતો રોટાવેટર ફેરવી દે છે કાં તો ઘેટા-બકરાને ચરવા મુકી રહ્યા છે.


સૌરાષ્ટ્રની ડુંગળીની માંગ ગલ્ફ કન્ટ્રી, શ્રીલંકા, ફિલીપાઈન્સ, બાંગલાદેશ તેમજ દેશના સાઉથના રાજયોમાં રહે છે. જો કે આ વખતે સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી માવઠાના કારણે ડુંગળીના પાક બગડી ગયો છે. માવઠાના કારણે ડુંગળીના પાકમાં બગાડ થયો છે એટલે સારી ગુણવત્તાની ડુંગળીની આવકો ઓછી આવી રહી છે. આ બધા કારણોના કારણે ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળવાના કારણે માર્કેટયાર્ડમાં ડુંગળી લાવવી પણ પોસાય તેમ નથી. એક સમયે લોકોને ભાવોને કારણે રડાવતી ડુંગળી આજે ખેડૂતોને રડાવી રહી છે.

ગોંડલના ડુંગળીના વેપારી પ્રવીણભાઈ કાકડીયાએ જણાવ્યુ હતુ કે હાલમા ગોંડલ યાર્ડમા 12 હજાર થેલા નવી ડુંગળી અને 4 હજાર થેલા જૂની ડુંગળી આવે છે પરંતુ આ ડુંગળીમા 80 ટકા ડુંગળી નબળી ગુણવત્તા ધરાવતી હોય જેનો ભાવ 20 કિલોના રૂ.100થી પણ નીચે મળે છે. જયારે 20 ટકા ડુગળી જ સારી હોય જેનો ભાવ પણ રૂ.125 આસપાસ મળે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે હાલમાં બહારની ખરીદી નહિવત છે અને મેડાનો સ્ટોક પણ ખરાબ થઈ જતા અને તેના વેચાવાનો સમય વહી જતા ડુંગળી ડેમેજ થઈ ગઈ છે.

ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર

સામાન્ય રીતે આ સમયમા ડુંગળીના ભાવ રૂ.400થી વધુ આવતા હોય છે. જેના બદલે અત્યારે 20 કિલોના રૂ.30થી 100 મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પડેલા અતિ ભારે માવઠાએ ડુંગળીનાં પાકની ગુણવત્તા ઉપર ખરાબ અસર કરી છે. જેના કારણે નબળી ગુણવત્તાવાળી આ ડુંગળીની લેવાલી ઘટી રહી છે અને ખેડૂતોને રૂ.30 થી 100 જેવા તદ્દન મફતના ભાવે વેચવા મજબૂર થઈ રહ્યા છે.

મહુવા યાર્ડમાંથી ડુંગળીની ડિહાઈડ્રેશન માટે માત્ર 20 ટકા નિકાસ

ભાવનગર જિલ્લમા લાલ અને સફેદ ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે જો કે આ વર્ષે માવઠાના કેરથી ભાવનગર જિલ્લામાં પણ મોટાપાયે નુકસાની થઈ છે જેના કારણે મહુવા યાર્ડમાંથી હાલમાં ડુંગળીનું જ થોડા પ્રમાણ સાઉથના રાજયોમાં ડિહાઈડ્રેશન એટલે કે ખાદ્યવસ્તુઓના ઉપયોગમા લેવા માટે 20 ટકા જેટલી નિકાસ થઈ રહી છે.


  • Follow us on: