રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આરોગ્ય સુરક્ષા અન્વયે ખાદ્ય પદાર્થોના લેવાયેલા નમૂનાના પરીક્ષણમાં મોટો પર્દાફાશ થયો છે. મનપાની ફૂડ શાખાએ લીધેલા પનીરના ચાર નમૂના સદંતર ફેઇલ સાબિત થયા છે. રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તે સમયે આ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં હવે સફેદ પનીરના નામે ભેળસેળનો પર્દાફાશ થયો છે.
અલગ-અલગ વિસ્તારોમાંથી પનીરના નમૂના એકત્ર
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદ્યો તે દરમિયાન મનપાની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પનીરના નમૂના એકત્ર કર્યા હતા.
ચાર નમૂના ગુણવત્તાના ધોરણો મુજબ ફેઇલ
આ પનીરના નમૂના લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવતા તેમાંથી ચાર નમૂના ગુણવત્તાના ધોરણો મુજબ ફેઇલ જાહેર થયા છે. બજારમાં શુદ્ધ અને સફેદ પનીર તરીકે વેચાતા આ માલમાં ગંભીર ભેળસેળ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.
આ પેઢીઓના પનીરના નમુના ફેઇલ
મનપા દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન ફૂડ પ્રોડક્ટમાંથી લેવાયેલું પનીર પરીક્ષણમાં ફેઇલ સાબિત થયું છે. આ ઉપરાંત પુનિતનગર મેઇન રોડ પર આવેલી શ્રી ગાયત્રી ડેરી ફાર્મમાંથી લેવાયેલા પનીરના નમૂના પણ ધોરણો મુજબ ન હોવાથી ફેઇલ થયા છે. સામાકાંઠા વિસ્તારમાં સેટેલાઈટ ચોક ખાતે પ્રકાશભાઈ પ્રવીણભાઈ વરસોડાને ત્યાંથી લેવાયેલા પનીરના નમૂના પણ પરીક્ષણમાં ફેઇલ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ભગવતી ટ્રેડિંગ પ્લોટ નંબર 11ના ખૂણામાંથી લીધેલા લૂઝ પનીરના નમૂના પણ સદંતર ફેઇલ આવ્યા છે. આમ, શહેરના અલગ-અલગ વિસ્તારોની ડેરીઓ અને પેઢીઓમાંથી લેવાયેલા નમૂના ફેઇલ થતાં તંત્ર સફાળું જાગ્યું છે.
62 જેટલી વેપારી પેઢીઓમાં આકસ્મિક તપાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દિવાળીના તહેવારો દરમિયાન પણ રાજકોટ મનપા દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તે સમયે શહેરની અલગ-અલગ 62 જેટલી વેપારી પેઢીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
269 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો જથ્થો ઝડપી લેવાયો
આ તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવો આશરે 269 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવાની કાર્યવાહી કરાઈ હતી. તહેવારોના સમયે પણ લોકો સુધી અખાદ્ય ચીજવસ્તુઓ ન પહોંચે તે માટે 62 પેઢીઓમાં તપાસ કરીને 269 કિલો અખાદ્ય માલ પકડી પાડવામાં આવ્યો હતો, ત્યારે હવે પનીરમાં પણ ભેળસેળ બહાર આવતા ચકચાર મચી છે.
આ પણ વાંચો : Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!