દિવાળીના દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજકોટ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ અંગે DCP ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તહેવારોમાં લોકો બહાર ફરવા કે પ્રવાસ માટે જતા હોય છે, જેના કારણે ઘરફોડ ચોરી કે અન્ય ગુનાખોરીની ઘટનાઓ બનવાની શક્યતાઓ રહે છે. આ જોખમને ઘટાડવા માટે પોલીસ દ્વારા સોસાયટીઓ અને અન્ય ખાનગી સીસીટીવી કેમેરાનું એક્સેસ પોલીસ દ્વારા લેવામાં આવશે, જેથી સમગ્ર શહેર પર સઘન નજર રાખી શકાય.

આંગડિયા પેઢી અને જ્વેલરી બજારમાં વિશેષ સુરક્ષા

શહેરમાં સુરક્ષાનું સ્તર વધારવા માટે વિવિધ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અત્યંત સઘન કરી દેવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી માટે ભારે ભીડભાડ રહેતી હોવાથી આંગડિયા પેઢીઓ, જ્વેલરી બજાર અને મુખ્ય શોપિંગ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ભીડભાડવાળી જગ્યાએ જતા સમયે પોતાના કિંમતી ઘરેણાં, મોબાઈલ ફોન અને રોકડ રકમની પૂરતી કાળજી રાખવી.

ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવા અપીલ

પત્રકાર પરિષદમાં નાગરિકોની જાગૃતિ માટે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે:

  • બંધ મકાનની સુરક્ષા: જ્યારે પણ ઘર બંધ કરીને બહાર જાવ, ત્યારે મજબૂત તાળા મારીને જવું અને પડોશી કે વિશ્વાસપાત્ર વ્યક્તિને તેની જાણ કરવી.
  • કિંમતી ચીજવસ્તુઓ: સોના-ચાંદીના કિંમતી દાગીના અને મોટી રકમની રોકડ કે કિંમતી ચીજો ઘરમાં રાખવાને બદલે બેંકના લોકરમાં સુરક્ષિત રાખવી.
  • સોશિયલ મીડિયા સાવધાની: પ્રવાસ દરમિયાન કે બહાર ફરવા જતી વખતે પોતાનું લાઈવ લોકેશન કે હરવા-ફરવાના ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર અગાઉથી અપલોડ કરવાનું ટાળવું.
  • ડિજિટલ અરેસ્ટથી બચો: સાયબર ફ્રોડ કરતા ઠગો દ્વારા 'ડિજિટલ અરેસ્ટ'ના નામે ડરાવીને પડાવવામાં આવતી રકમથી સાવધાન રહેવું. કાયદામાં 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ પ્રક્રિયા હોતી નથી, તેથી આવા કોઈપણ શંકાસ્પદ ફોન કૉલ કે ધમકીઓથી ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો