રાજકોટ શહેરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા અને જાહેર શાંતિ જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક અત્યંત મહત્વનું અને કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી સમગ્ર રાજકોટ શહેરમાં અમલી રહેશે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અકસ્માતો રોકી શકાય તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

માત્ર લાઇસન્સધારકો જ કરી શકશે ફટાકડાનું વેચાણ

જાહેરાત મુજબ, રાજકોટમાં માત્ર અધિકૃત લાઇસન્સ ધરાવતા વેપારીઓ જ નિયત કરેલી જગ્યાઓ પર જ ફટાકડાનું વેચાણ કરી શકશે. જો કોઈ પણ વ્યક્તિ વગર લાયસન્સે કે ગેરકાયદેસર રીતે સ્ટોલ લગાવીને ફટાકડા વેચશે તો તેની સામે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં પર્યાવરણ અને અવાજના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ભારે અવાજ ધરાવતા ફટાકડા તેમજ સિરીઝ (લૂમ) ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

DCP જગદીશ બાંગરવાએ આપી વિગતો

આ સમગ્ર માબતે માહિતી આપતા DCP જગદીશ બાંગરવાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વેપારી કે શખ્સ ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતા પકડાશે તો તેમનો સમગ્ર માલ જપ્ત કરી લેવામાં આવશે અને તેમની સામે કડક ફોજદારી ગુનો નોંધવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરી શકે.

આ પણ વાંચો : Ahmeedabad News : અડધી રાત્રે વેરહાઉસમાં ફિલ્મી ઢબે ચોરી, પતરાં તોડીને ઘૂસેલા ચોરો CCTV કેમેરામાં કેદ, 1 કરોડની મત્તા ચોરાઈ