રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા નંબર પ્લેટ વિનાના વાહનો સામે ખાસ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, પરંતુ આ કાર્યવાહી માત્ર દેખાડા ખાતર જ થતી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા ઈગલ પેટ્રોલ પંપ પર પોલીસ ટીમ ચેકિંગમાં ઉભી હતી, ત્યારે જ એક નંબર પ્લેટ વિનાનો વાહન ચાલક બિન્દાસપણે પેટ્રોલ પુરાવીને ત્યાંથી નીકળી ગયો હતો. સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ માત્ર તેને જોતા જ રહી ગયા હતા અને વાહન ચાલક તેમની નજર સામેથી જ સટાક દઈને પસાર થઈ ગયો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં કામગીરીની પોલ ખુલી
આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તરફ રાજકોટ પોલીસ પ્રશાસન દ્વારા નિયમોનું કડક પાલન કરાવવા માટે વાહનોની ડ્રાઇવ યોજવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ પ્રત્યક્ષ નજર સામે જ થતા નિયમભંગ સામે પોલીસ લાચાર કે ઉદાસીન જણાઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની આ ડ્રાઇવ માત્ર એક નાટક હોવાનો દાવો લોકો કરી રહ્યા છે.
