રાજકોટ શહેરમાં બેફામ અને પૂરપાટ ઝડપે ચાલતા વાહનોના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ગિરિરાજ હોસ્પિટલ નજીક રફતારનો વધુ એક હૃદયકંપાવનારો કહેર સામે આવ્યો છે. ગત 3 ઓક્ટોબરના રોજ બેફામ ગતિએ આવી રહેલા એક કાર ચાલકે રોડ પર જઈ રહેલી પેસેન્જર રિક્ષાને ભારે જોરથી પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાં જ રિક્ષા પલટી મારી ગઈ હતી.
ચોંકાવનારા સીસીટીવી ફુટેજ સામે આવ્યા
આ સમગ્ર અકસ્માતની ચોંકાવનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર અને તપાસ એજન્સીઓ સમક્ષ આવેલા આ સીસીટીવી ફુટેજમાં કાર ચાલકની ગંભીર બેદરકારી અને ઓવરસ્પીડિંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે. રિક્ષાને ટક્કર માર્યા બાદ કાર ચાલક સ્થળ પરથી વાહન લઈને નાસી છૂટ્યો હતો, જ્યારે અકસ્માતના દ્રશ્યો જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
