રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર સર્કલ પાસે મોડી રાત્રે સમાધાનના બહાને બોલાવીને એક યુવકની છરીના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ખૂની ખેલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
જૂની માથાકૂટના સમાધાન સમયે તીક્ષ્ણ હથિયારથી હુમલો
મળતી માહિતી મુજબ, 28 વર્ષીય પરેશભાઈ ચૌહાણ નામના યુવકને અગાઉ રાધે રાઠોડ નામના વ્યક્તિ સાથે બાઇક અથડાવવા બાબતે માથાકૂટ થઈ હતી. આ જૂના વિવાદમાં સમાધાન કરવા માટે મોડી રાત્રે બંને પક્ષો ભેગા થયા હતા. પરંતુ સમાધાન દરમિયાન મામલો ઉગ્ર બનતાં પરેશભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના શરીર પર છરીના 6 થી 7 ઘા ઝીંકી દેવાતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
