રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની સુપ્રસિદ્ધ ચૌધરી હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં આ મહોત્સવનું આયોજન કરાયું છે. આ અનોખી સ્પર્ધાને નિહાળવા અને કૃષ્ણ જન્મોત્સવના ઉલ્લાસમાં સહભાગી થવા માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

35 ફૂટ ઊંચી મટકી અને 1.50 લાખ સુધીના ઈનામો

આ સ્પર્ધામાં વિજેતા બનનારી ગોવિંદા મંડળીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આકર્ષક રોકડ ઈનામોની જાહેરાત કરવામાં આવી છે. ગ્રાઉન્ડ પર 35 ફૂટ જેટલી મધ્યમથી વધુ ઊંચાઈ પર મટકી બાંધવામાં આવી છે. સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થનાર ટીમને રૂ.1.50 લાખ, દ્વિતીય ક્રમાંકે આવનાર ટીમને રૂ.1.21 લાખ અને તૃતીય ક્રમાંકે આવનાર ટીમને રૂ.1.01 લાખનું ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

સુરત અને ધ્રોલ સહિતની કુલ 6 ટીમો વચ્ચે જંગ

આ મટકી ફોડ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે રાજ્યભરમાંથી કુલ 6 જેટલી નામચીન અને મજબૂત ગોવિંદા ટીમોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. જેમાં (1) રાજકોટ શહેર પોલીસ, (2) રાજકોટ સપોર્ટ ક્લબ, (3) નાની વાગુદડ (ધ્રોલ), (4) રાજકોટ કોઠારીયા, (5) મોટી વાગુદડ (ધ્રોલ) અને (6) સુરતની ટીમનો સમાવેશ થાય છે. આ તમામ ટીમો વચ્ચે મટકી ફોડીને વિજેતા બનવા માટે ભારે રોમાંચક સ્પર્ધા જોવા મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો