રાજકોટમાં તન્વી એક્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડના કર્મચારીની હત્યા કરી રૂ.1.5 કરોડથી વધુની કિંમતના સોના-ચાંદીના જથ્થાની લૂંટ ચલાવવાના પ્રકરણમાં પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે 24 કલાકમાં જ તમામ 10 આરોપીઓની ધરપકડ કરી રૂ.1.5 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કાફલાએ 10 પૈકી 4 મુખ્ય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર લૂંટ અને હત્યાના બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી જોઈને સ્થળ પર એકત્ર થયેલા સ્થાનિક રહીશોએ ‘રાજકોટ પોલીસ જિંદાબાદ’ના ઉત્સાહભેર નારા લગાવી પોલીસની કામગીરીને વધાવી લીધી હતી.
ફાયરિંગમાં ઇજાગ્રસ્ત મુખ્ય આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ
કેસમાં ઝડપાયેલા 10 આરોપીઓ પૈકી 9 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે મુખ્ય આરોપી અનુરાગસિંહને ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો કરવાનો પ્રયાસ ભારે પડ્યો હતો. તેણે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પીએસઆઇ વનરાજસિંહ ડોડીયાએ આત્મરક્ષણાર્થે ચલાવેલી ગોળી અનુરાગસિંહના પગમાં વાગતાં તે હાલ હોસ્પિટલમાં પોલીસ જાપતા હેઠળ સારવાર હેઠળ છે.
