રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટેલમાં મોડી રાત્રે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને નામાંકિત શખ્સો ઉપસ્થિત હોવાનું સામે આવ્યું હતું. જો કે, આટલી મોટી રેડ અને અનેક લોકોની હાજરી છતાં પોલીસની સમગ્ર કાર્યવાહી શરૂઆતથી જ શંકાના દાયરામાં રહી છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે વિગતો છુપાવીને પ્રભાવશાળી આરોપીઓને સતત છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાજપ નેતાની ફેસબુક પોસ્ટથી મચી ચકચાર

આ સમગ્ર પ્રકરણ વચ્ચે પાટીદાર અગ્રણી અને ભાજપ નેતા મહેશ લુણાગરિયાએ ફેસબુક પર એક આક્રમક પોસ્ટ મૂકીને પોલીસ તંત્ર સામે ખુલ્લો રોષ ઠાલવ્યો છે. તેમણે પોલીસની કામગીરી પર કટાક્ષ કરતા લખ્યું હતું કે, પોલીસે એક જ વારમાં 'ભરપૂર રૂપિયા' લઈને મામલો પતાવી દેવો જોઈએ, જેથી આખું વર્ષ વારંવાર તોડ કરવાના ધંધા ન કરવા પડે. તેમણે ઈમાનદારી બાજુ પર મૂકીને કડક કાર્યવાહી કરવાના બદલે ચાલતી ભ્રષ્ટ વેટિંગ સિસ્ટમ સામે સવાલો ઉઠાવતા રાજકીય અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પોલીસની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો

એક તરફ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે અને બીજી તરફ હાઈપ્રોફાઈલ આરોપીઓને બચાવવા માટે રસાકસી ચાલી રહી છે, ત્યારે શાસક પક્ષના જ નેતા દ્વારા આ પ્રકારે જાહેરમાં પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવતા આ મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં આ મામલે હજુ નવા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો