રાજકોટ શહેરમાં શાળાઓમાં અનઅધિકૃત પ્રવેશ અને બહારના વ્યક્તિઓની અવરજવર પર રોક લગાવવા માટે જારી કરવામાં આવેલા નવા સરકારી પરિપત્રને કારણે હવે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ પણ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ નિયમોના અમલીકરણના લીધે વિવિધ જરૂરિયાતમંદ બાળકો અને શાળાઓની મુલાકાતે જતી સંસ્થાઓના કાર્યો પર સીધી અસર પડી રહી છે, જેના કારણે શિક્ષણ અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
સામાજિક કાર્યકરોને શાળામાં પ્રવેશ ન મળ્યાનો આક્ષેપ
ખાસ કરીને 'મારુતિ નંદન ટ્રસ્ટ' જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા બાળકોના એડમિશન, શૈક્ષણિક સહાય અને અન્ય કલ્યાણકારી કાર્યો માટે શાળાઓમાં જવાનું થતું હોય છે, પરંતુ નવા પરિપત્રના અતિ-કઠોર અમલને કારણે સામાજિક કાર્યકરોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો નથી તેવી ફરિયાદો ઉઠી છે. બાળકોના એડમિશન માટે શાળાઓએ પહોંચેલી આ સંસ્થાના પ્રતિનિધિઓને પ્રવેશ ન મળતા તેમનું દૈનિક કાર્ય અટવાઈ ગયું છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) સમક્ષ રજૂઆતો કરવા છતાં પૂરતી મંજૂરી કે છૂટછાટ ન મળી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
