રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. અગાઉ લોકમેળાનું કયા સ્થાન પર આયોજન કરવું તેને લઈને ચર્ચામાં હતા. જ્યારે હાલમાં લોકમેળામાં મનોરંજનના સાધન સમી યાંત્રિક રાઈડ્સનો મુદ્દો સામે આવ્યો છે. આજે સાંજ સુધીમાં યાંત્રિક રાઇડ્સ મુદે નિર્ણય સામે આવશે.
રાઈડ સંચાલકોને મંજૂરી આપવી જોઈએ
લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ મુદ્દે આજે ગાંધીનગરમાં બેઠક થશે. આ બેઠકમાં રાઇડસ સંચાલકો સરકારમાં રજૂઆત કરશે. દરમિયાન લોકમેળાને લઈને ભાજપ અગ્રણી નગરસેવક વિનુભાઈ ધવાનું નિવેદન સામે આવ્યું છે. વિનુભાઈએ કહ્યું કે ‘લોકમેળો રાજકોટની સંસ્કૃતિ-ધાર્મિકતા સાથે જોડાયેલો છે. લોકમેળો રાજકોટની આગવી ઓળખ બન્યો છે. એટલે રાઇડ સાથે લોકમેળો થવો જોઈએ કારણ કે લોકમેળો વર્ષમાં એક વખત જ થાય છે. અને તેના દ્વારા પાંચ લાખ લોકોની રોજીરોટી મળે છે. કાગળોમાં બાંધછોડ કરી રાઈડ સંચાલકોને મંજૂરી આપવી જોઈએ. આ મામલે CM-સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવશે.
ઓગસ્ટ મહિનામાં યોજાશે લોકમેળો
જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિ દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં રેસકોર્સ મેદાનમાં 14મીથી 18 તારીખ સુધી એમ પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેરાત કરી છે. રાજકોટમાં યોજાતા આ લોકમેળાનું મુખ્ય આકર્ષણ મોટી રાઈડ છે. છેલ્લા કેટલાક સમયથી લોકમેળામાં મુલાકાતીઓના આનંદમાં વધારો કરવા મોટી રાઈડને સમાવેશ કરાયો હતો. જો કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અને હાલમાં પાદરા બ્રિજ દુર્ઘટનાને લઈને ફરી લોકમેળામાં વિવિધ રાઈડસને લઈને મામલો અટવાયો છે.
લોકમેળો બન્યો લોકોના મનોરંજનનું કેન્દ્ર
રાજકોટમાં વર્ષ 1983થી જન્માષ્ટમી તહેવારને લઈને મેળો યોજાતો હતો. ધીરેધીરે આ મેળાની લોકપ્રિયતા વધવા લાગી. અને એટલે રેસકોર્સ મેદાનમાં લોકમેળાની ભવ્ય રીતે ઉજવણી થતી હોય છે. શ્રાવણ મહિનામાં સાતમ-આઠમના તહેવાર પર યોજાતા આ લોકમેળામાં ફક્ત શહેરીજનો જ નહી જિલ્લા બહારના લોકો પણ અનેરા ઉત્સાહ સાથે તેમાં સામેલ થાય છે. ત્યારે આ વખતે રાઈડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર ના કરાતા રાઈડ સંચાલકોમાં નારાજગી જોવા મળી.









