40 વર્ષ પહેલાં રાજકોટથી દેશ છોડી પાકિસ્તાન નાસી ગયેલા 139 લોકોની રાજકોટ શહેર-જિલ્લામાં મકાન-જમીન સહિતની મિલક્ત હોવાનો ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવતા દુશ્મન દેશના નાગરિકોની મિલક્તની મોજણી કરવા મુંબઈથી એક સર્વેયર સાથે રાજકોટના સિટી સર્વેની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, પ્રાથમિક રિપોર્ટ મુજબ અત્યારે જિલ્લામાં કુલ 139 પાકિસ્તાની નાગરિકોની મિલક્ત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં 66 મિલક્તો દુશ્મન દેશના નાગરિકોની હોવાનું જાહેર થયું છે. જ્યારે બાકીની 73 મિલક્ત હકીકતે કોની માલિકીની છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જે મિલક્તનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે તેમાં આ મિલક્ત વહેંચાઈ ગઈ છે કે કેમ ? અત્યારની સ્થિતિએ મિલક્તની શું સ્થિતિ છે તે તમામ બાબતોને આવરી લઈને સરકારને અહેવાલ સોંપવામાં આવશે તે પછી આવી મિલક્તની હરાજી કરી વેંચાણ કરવામાં આવશે.સૌથી વધુ મિલક્ત જેતપુરમાં 117 જેટલી મિલક્ત આવેલી છે. તેમાંથી 44 મિલક્તો પાકિસ્તાની નાગરિકની હોવાનું માલુમ પડયું છે. અમુક શહેરમાં આવેલી આ મિલક્ત ઉપર અન્ય કોઈનો પણ કબજો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પાકિસ્તાની નાગરિકોની મિલક્તમાં માત્ર ખાનગી વ્યક્તિઓ જ નહી પરંતુ સરકારી કચેરીઓનો પણ કબજો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. 139 મિલક્ત પૈકી પાંચ કેસમાં તો ખેતીની જમીન પણ નીકળી હોવાનું જાણવા મળ્યું છે.










