રાજકોટ મહાપાલિકાના રૂ.522.50 કરોડના 49 કામોના ખાતમુહૂર્ત અને રૂ. 22.57 કરોડના 06 કામોનો મુખ્યમંત્રીએ એકસાથે લોકાર્પણ કરીને રાજકોટવાસીઓને વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ ઘર વિહોણા લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 700થી વધુ આવાસો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો.પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અગાઉ માત્ર વિકાસની ચૂંટણી સમયે વાતો થતી, પરંતુ અત્યારે રોજેરોજ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. બિહાર જેવા રાજ્ય પણ વિકાસની રાજનીતીમાં જોડાયું છે.
જે બોલ્યા એ કર્યું, એને જમીન પર ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડયું એવો વિશ્વાસ વડાપ્રધાનએ લોકોમાં કેળવ્યો છે. જેના ખાતમુહૂર્ત થાય છે એના લોકાર્પણ આ જ સરકાર કરે છે એવી કાર્યપદ્ધતિ નરેન્દ્રભાઈએ વિકસાવી છે.રાજકોટમાં ભૂતકાળમાં પાણીના સંકટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અગાઉ અહીં ટ્રેનથી પાણી આવતું, પણ આજે રાજકોટમાં પાણીની વિતરણ વ્યવસ્થા અને સ્થિતિ રોજેરોજ સુધરતી જાય છે. આજે લોકાર્પિત-ખાતમુહૂર્ત થયેલા કામોમાં સૌથી વધુ કામો પાણીને લગતા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.










