રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલી અને વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલી જનાના હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે પ્રસુતાના પરિવાર પાસે સર્વન્ટ્સ રૂ.100-500ના ઉઘરાણા કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
જનાના હોસ્પિટલમાં થતા ઉઘરાણાના વીડિયોમાં જે દ્રશ્યો જોઈ શકાય છે કે, એક શ્રમિક પરિવારની મહિલા પરાણે રૂ.100 લીધા હોવાનું જણાવી રહ્યા છે. અગાઉ પણ સિવિલમાં લિફ્ટ પાસે ઉઘરાણા થતા હતા. જેમાં કોન્ટ્રાકટ એજન્સી દ્વારા માત્ર મેમો આપ્યો હતો. જનાના હોસ્પિટલમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ પરિવારની મહિલાઓ પ્રસુતિ માટે દાખલ થતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સગર્ભાઓની સંખ્યા વધુ જોવા મળે છે. સારવારમાં રહેલી સગર્ભાની ડિલિવરી થાય ત્યારે લેબર રૂમથી વોર્ડમાં સ્ટ્રેચરમાં લઈ જતી કેટલીક સર્વન્ટ માસીઓ સાથે રહેલા સ્વજન પાસે ઉઘરાણા કરે છે. દીકરા-દીકરીનો જન્મ થયો તો પૈસા તો આપવા પડે કહીને પરાણે રૂ.100થી 500 સુધીની રકમ લઈ લેવાય છે. ઉઘરાણાની લેતી દેતી સીસીટીવીમાં કેદ ન થાય એ માટે લિફ્ટની સાઈડમાં કે વોર્ડ અંદર જઈને વસૂલી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલનાં RMOએ કહ્યું કે, જનાના હોસ્પિટલમાં માત્ર ગરીબ મહિલાઓ જ પ્રસુતિ માટે આવતી હોય છે ત્યારે આવા ઉઘરાણા ચલાવી લેવામાં આવશે નહીં. તાજેતરમાં આ બાબત અમારા ધ્યાન પર આવી છે. આ અંગે સિવિલ અધિક્ષકને પણ જાણ કરવામાં આવી છે અને તેમના દ્વારા આ અંગે તપાસના આદેશો અપાયા છે. જે કોઈપણ આ માટે જવાબદાર હશે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.










