દશેરાના પાવન પર્વે રંગીલા રાજકોટવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી અને ફરસાણ ઝાપટી જતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નફાખોર વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. તહેવારોને અનુલક્ષીને મનપાની ફૂડ શાખા દ્વારા શહેરભરમાં મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જાણીતા ‘જાની લોચો એન્ડ ખમણ હાઉસ’ સહિતના એકમોમાંથી ફૂગવાળી ડુંગળી અને વાસી-પડતર સમોસા સહિત કુલ ૩૩ કિલો અખાદ્ય સામગ્રી ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં 78 ધંધાર્થીઓને ત્યાં ઓચિંતું ચેકિંગ
આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. દશેરાના તહેવારમાં વપરાતા તેલ, લોટ, ચાસણી, મસાલા અને તૈયાર ફરસાણની ગુણવત્તા ચકાસવા માટે કુલ 78 જેટલા મીઠાઈ-ફરસાણના વિક્રેતાઓને ત્યાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી.આ ચેકિંગ દરમિયાન દુકાનો, ગોડાઉનો અને કિચન પરિસરમાંથી અસ્વચ્છતા વચ્ચે સંગ્રહિત કરાયેલો કુલ ૩૩ કિલો વાસી અને માનવ વપરાશ માટે હાનિકારક જથ્થો મળી આવ્યો હતો.લોકોના આરોગ્યને ગંભીર નુકસાન ન પહોંચે તે હેતુથી ફૂડ સેફ્ટી ઓફિસરોએ આ તમામ અખાદ્ય જથ્થામાં ફિનાઈલ નાખી સ્થળ પર જ ડમ્પિંગ સાઇટ પર તેનો નાશ કર્યો હતો.
'જાની લોચો એન્ડ ખમણ હાઉસ' માંથી 17 કિલો પડતર માલ મળ્યો
તપાસ દરમિયાન જાણીતા ખાણીપીણીના એકમમાં ભારે બેદરકારી સામે આવી હતી.શહેરના ‘જાની લોચો એન્ડ ખમણ હાઉસ’ નામના એકમમાં તપાસ કરતા અંદરથી ગંધ મારતા પડતર સમોસા અને સડી ગયેલી તેમજ ફૂગ વળી ગયેલી ડુંગળી મળી આવી હતી. આ એકમમાંથી એકલા જ 17 કિલો જેટલો અખાદ્ય સામગ્રીનો જથ્થો પકડી પાડી મનપાની ટીમે તાત્કાલિક કચરાપેટી ભેગો કર્યો હતો.આટલી મોટી અને પ્રતિષ્ઠિત પેઢી દ્વારા ગ્રાહકોને આવી વાસી સામગ્રી પીરસવામાં આવતી હોવાની વિગત બહાર આવતાં ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
49 નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા, કડક દંડની તૈયારી
માત્ર સ્થળ પર નાશ કરવા ઉપરાંત ભેળસેળિયાઓ સામે કાનૂની સકંજો કસવા સેમ્પલિંગ હાથ ધરાયું છે. ફૂડ વિભાગ દ્વારા વિવિધ પેઢીઓમાંથી મીઠાઈ, ફરસાણ, ખાદ્યતેલ અને માવાના કુલ 49 જેટલા શંકાસ્પદ નમૂના (સેમ્પલ્સ) સીલ કરવામાં આવ્યા છે. આ નમૂનાઓને સરકારી ફૂડ લેબોરેટરીમાં પૃથક્કરણ (ટેસ્ટિંગ) અર્થે મોકલી આપવામાં આવ્યા છે.લેબ રિપોર્ટમાં સહેજ પણ ભેળસેળ કે સબ-સ્ટાન્ડર્ડ ક્વોલિટી જણાશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કોર્ટ કેસ અને આકરા દંડની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો: Rajkot: શહેરમાં 1.53 કરોડના લૂંટ વિથ મર્ડર કેસના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, PSI એ ગોળી ધરબી દીધી!