પવિત્ર શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓનો વપરાશ વધતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ફરાળી પેટીસ અને અન્ય ફરાળી વાનગીઓ વેચતા ધંધાર્થીઓને ત્યાં સઘન સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ ખાસ કરીને સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલમાં થતી સંભવિત ભેળસેળ અટકાવવાના હેતુથી કરવામાં આવી હતી.
47 પેઢીઓની તપાસ અને 50 કિલો વાસી જથ્થાનો નાશ
આરોગ્ય વિભાગની ટીમોએ શહેરમાંથી કુલ 47 જેટલી પેઢીઓની આકસ્મિક તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન ભેળસેળ, અસ્વચ્છતા અને ગંદકી ધરાવતા એકમો સામે કડક પગલાં લેવાયા હતા. સ્થળ પરથી મળી આવેલો આશરે 50 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો તુરંત જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 05 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
FSS એક્ટ હેઠળ નમૂના લેવાયા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ હેઠળ આરોગ્ય શાખા દ્વારા શંકાસ્પદ જણાતી ફરાળી પેટીસ અને ફરાળી લોટના કુલ 04 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નિયમોનું ઉલ્લંઘન કરતી 4 જાણીતી પેઢીઓ સીલ કરાઈ
શ્રાવણ માસ દરમિયાન પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી આરોગ્ય વિભાગે 04 પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દીધી છે.
- જય રામનાથ ચાઇનીઝ & પંજાબી: માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસે
- હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ: શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગ
- ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ: ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ
- એન્જલ ચાઇનીઝ પંજાબી: ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ
આ પણ વાંચો - Rajkot News: નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ નહીં જેવા નિયમ વચ્ચે ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ