રાજકોટમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી દબાણ હટાવવાની ઝુંબેશ હવે કામગીરી કરતા તેના તોતિંગ અને આશ્ચર્યજનક બિલિંગના કારણે હેડલાઇન્સમાં છે. રાજકોટના સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં થોડા સમય પહેલા તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફેરવીને મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મનપાના અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત હતા. પરંતુ, આ ડિમોલિશન પૂરું થયા બાદ જે ખર્ચના આંકડા સત્તાવાર રીતે બહાર આવી રહ્યા છે, તે સામાન્ય જનતા અને ટેક્સપેયર્સને ચોંકાવી દે તેવા છે.
ભોજન બાદ હવે પાણીના બિલ પર હોબાળો
જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ અને ફોર્સ માટે મગાવાયેલા નાસ્તા અને ભોજનનું બિલ અગાઉ 27 લાખ આવ્યું હતું, જેના પર વિપક્ષ અને સ્થાનિક સ્તરે મોટો હોબાળો મચ્યો હતો. હજુ આ વિવાદ શાંત પડ્યો નથી ત્યાં જ ઓપરેશન દરમિયાન પીવા માટે મગાવાયેલા મિનરલ વોટર (પાણીના પાઉચ/બોટલો) નું બિલ લાઈવ સામે આવ્યું છે, જે અધધ 12 લાખ રૂપિયા નોંધાયું છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે થોડા દિવસના ડિમોલિશનમાં કેટલા લાખ લીટર પાણી વપરાયું કે તેનું બિલ આટલું તોતિંગ બની ગયું?










