રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાની વસૂલાત વધારવા માટે આકસ્મિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.અત્યાર સુધીમાં મહાપાલિકાને વ્યવસાય વેરા પેટે 40 કરોડના લક્ષ્યાંકની સામે રૂ.18 કરોડની આવક થવા પામી છે.જોકે,નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે તંત્ર દ્વારા હવે નોંધણી ન કરાવનાર સમયસર વેરો ન ભરનાર અને બાકીદારી ધરાવતા આશરે 64 હજાર કરદાતાઓને આગામી 10થી 15 દિવસમાં નોટિસ પાઠવીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દંડની વસૂલાત કરીને કડક કાર્યવાહી
મનપાના વેરા વિભાગના વિવિધ ડેટા આધારે તંત્ર દ્વારા કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.ઝુંબેશ માત્ર નાના દુકાનદારો પૂરતી સીમિત ન રહેતા ડોક્ટરો, વકીલો, સીએ, એન્જિનિયરો, મોટા વેપારીઓ, શોરૂમના માલિકો, હોટેલ-રેસ્ટોરન્ટ્સ તેમ જ ખાનગી સંસ્થાઓ, કોચિંગ ક્લાસિસ સુધી વિસ્તરશે. નોટિસ મળ્યા બાદ કરદાતાએ જરૂરી પુરાવા રજૂ કરી સ્પષ્ટતા કરવાની રહેશે.જો નોટિસની અવગણના કરવામાં આવશે અથવા જવાબ નહીં મળે તો મહાપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈ તપાસ હાથ ધરાશે અને કાયદા મુજબ વ્યાજ તેમ જ દંડની વસૂલાત કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભાડુઆત જતો રહે તો મકાન માલિકે વેરો ભરવો પડશે
સમયસર વેરો ભરી કાર્યવાહીથી બચવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.બીજી તરફ મનપાના ટેક્સ વિભાગે ભાડાની મિલકતમાં ધંધો કરતી પેઢી જો સ્થળ બદલીને નવા નામથી ધંધો ચાલુ કરે અને બાકી વેરો ભરપાઈ નથી કરતા તેવી ઘટનાઓમાં સતત વધારો થતાં ટેક્સ વિભાગે નવો નિયમ અમલી કર્યો છે. આ નિયમમાં ભાડુઆત વેરો ભર્યા વિના જો મિલકત ખાલી કરીને જતો રહે તો મકાનના માલિકે વેરો ભરવો પડશે. તંત્ર દ્વારા 30 હજાર જેટલી પેઢીનો સરવેની કામગીરી આરંભી હતી.