રાજકોટ ગ્રામ્ય પોલીસે ગાંજો ઝડપી પાડવા માટે પ્રથમ વખત ડોગની મદદ લઈને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ 4 જગ્યાએ રેડ કરીને કુલ 1 કિલો 372 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે અને 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે કરણ ભંડેરી, જય બગડા, વલિશા બુખારી અને અલ્તફશા રફાઈની પોલીસે ધરપકડ કરી છે. નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા સઘન દરોડા પાડવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આ ચાર સ્થળોએ કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

શાપરમાં 'કેપ્ટો' ડોગે ગાંજો શોધી કાઢ્યો, જૂના સ્થળોએ પણ થશે તપાસ

શાપરમાં પોલીસ સ્કોડના કેપ્ટો નામના ડોગે ગાંજો ઝડપી પાડ્યો હતો. કેપ્ટો નામનો પોલીસ ડોગ બેગમાં કે કોઈ જગ્યાએ છુપાવેલ ગાંજો કે ડ્રગ્સને ઝડપી ધોરણે શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે. પોલીસની કામગીરીમાં આ ડોગની મદદથી છુપાવેલો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. આગામી સમયમાં ભૂતકાળમાં જ્યાંથી ડ્રગ્સ કે ગાંજો મળ્યો છે ત્યાં પણ કેપ્ટોની મદદથી તપાસ કરવામાં આવશે, જેથી છુપાવેલા નશીલા પદાર્થોનો પર્દાફાશ થઈ શકે.

ગેરકાયદે મિલકત પર તવાઈ અને ગુજસીકોટ સહિતના કડક પગલાંની ચેતવણી

રાજકોટ ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહી બાદ નશીલા પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગાંજો અને ડ્રગ્સ વેચનારાની ગેરકાયદે મિલકત પર તવાઈ બોલશે અને ગુજસીકોટ સહિતના કડક પગલાં લેવામાં આવશે. ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નેટવર્ક અને સંડોવણી અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો