દિવાળીના પવિત્ર અને રોશનીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સામાન્ય રીતે ધમધમતી રહેતી બજારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળવો જોઈએ, પરંતુ રાજકોટમાંથી એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. રાજકોટના જાણીતા અને મુખ્ય ખરીદીના કેન્દ્ર સમાન સદર બજારમાં ફટાકડા બજારમાં આ વર્ષે મંદીનો માહોલ છવાયો છે. મોંઘવારીની સીધી અસર ફટાકડાના વેચાણ પર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે અને ગ્રાહકોની ઓછી ભીડના કારણે વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
ગત વર્ષની સરખામણીએ ફટાકડામાં 30થી 40 ટકાનો ભાવ વધારો
કાચા માલના ભાવ, ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે આ વર્ષે ફટાકડાના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજારમાં ફટાકડાની કિંમતોમાં અંદાજે 30થી 40 ટકા સુધીનો મોટો ભાવ વધારો જોવા મળ્યો છે. મોંઘા થયેલા ફટાકડાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે, જેની સીધી અસર બજારમાં થતી ખરીદી પર પડી છે.
