કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના નામે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલ મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસે કાનૂની સંકંજો કસવાનું શરૂ કર્યું છે. પોલીસે આ ચર્ચિત કેસમાં આયોજકો, આમંત્રિત અગ્રણીઓ અને હોટલ સ્ટાફ સહિત કુલ ૩૮ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ સત્તાવાર ગુનો દાખલ કર્યો છે. વધુમાં, મહેફિલમાં ટેબલે-ટેબલે જઈને શરાબના પેગ પીરસવાની કામગીરી કરનારા કેટરિંગ સ્ટાફના 15થી વધુ કર્મચારીઓની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. બીજી તરફ, રેડ દરમિયાન ઝડપાયેલા કુલીન વર્ગના બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને મહિલાઓ સહિત કુલ 98 જેટલી વ્યક્તિઓના બ્લડ સેમ્પલ મેળવી ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે. જોકે, હોટલનું હોલ-રૂમ બુકિંગ કોણે કરાવ્યું અને મોંઘો વિદેશી દારૂ ક્યાંથી આવ્યો તે અંગે પોલીસ હજુ કોઈ ચોક્કસ ખુલાસો ન કરતાં રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

https://www.instagram.com/reel/DfLtuDFDxtl/?utm_source=ig_web_button_share_sheet

38 સામે સત્તાવાર એફઆઈઆર,સ્ટાફે પણ દારૂ ગટગટાવ્યો હોવાનો પર્દાફાશ

તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાર્ટીમાં સામેલ 35 આયોજક તથા મહેમાનો તેમજ હોટલ મેનેજમેન્ટ અને સર્વિંગ સાથે સંકળાયેલા ૩ કર્મચારીઓ સહિત કુલ 38 લોકો સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હોટલનો મેનેજમેન્ટ સ્ટાફ અને સર્વિંગ બોય્ઝ પણ ફરજ દરમિયાન દારૂની મહેફિલમાં જોડાયા હતા અને નશો કર્યો હતો. હોટલમાં બહારથી બોલાવાયેલા કેટરિંગ કોન્ટ્રાક્ટના ૧૫થી વધુ વર્કરોની અટકાયત કરવામાં આવી છે, જેમના પર મહેમાનોને દારૂ અને હુક્કા સપ્લાય કરવાનો તેમજ પીરસવાનો ગંભીર આક્ષેપ છે. પાર્ટીમાં હાજર 33 જેટલી હાઈપ્રોફાઈલ મહિલાઓ પૈકી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ મહિલાએ દારૂ પીધો ન હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે તમામના સેમ્પલ લેબમાં મોકલાયા છે.

98 વ્યક્તિઓના બ્લડ ટેસ્ટ

પાર્ટી સ્થળેથી પકડાયેલા તમામ સ્ત્રી-પુરુષો અને હોટલ કર્મીઓ મળીને ૯૮થી વધુ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવી બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.એફએસએલ (FSL) રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ કન્ફર્મ થયા બાદ જે-તે વ્યક્તિ સામે કાયદેસરના પ્રોહિબિશન કેસ અંતર્ગત કડક ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.ગુનાના સ્થળેથી કબજે કરાયેલા ખાલી-ભરેલા ગ્લાસ, હુક્કાના પોટ્સ, દારૂની બોટલો અને ડિજિટલ સાધનોને કાયદેસર મુદામાલ તરીકે સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

https://www.instagram.com/reel/DfLu1sIkQEz/?utm_source=ig_web_button_share_sheet

35 મોંઘીદાટ કાર, બુકિંગ અને સપ્લાયર: સવાલોની વણઝાર

 શહેરના ધનાઢ્ય બિલ્ડરો અને નબીરાઓ 50 જેટલી લક્ઝુરિયસ કારો લઈને આવ્યા હતા, જેમાંથી 35 જેટલી કાર હોટલના પાર્કિંગમાં રેડ સમયે હાજર હતી. કાયદા મુજબ નશો કરીને કાર ચલાવી પહોંચેલા આ આરોપીઓની કરોડોની ગાડીઓ જપ્ત થશે કે કેમ તે અંગે પ્રજામાં ઉત્સુકતા છે. દરોડાના આટલા કલાકો બાદ પણ સરાઝા હોટલનો બેન્ક્વેટ હોલ કોના નામે, કયા આધારકાર્ડથી અને કેટલા રૂપિયા ચૂકવીને બુક કરવામાં આવ્યો હતો તે નામ હજુ સુધી પોલીસે સત્તાવાર જાહેર કર્યું નથી. પાર્ટીમાં પીરસાયેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ સ્થાનિક બુટલેગરે પહોંચાડ્યો હતો, કોઈ લિકર પરમિટ હોલ્ડરના નામે ભેગો કરાયો હતો કે પછી અન્ય રાજ્યમાંથી દાણચોરી કરીને લવાયો હતો, તે સપ્લાય ચેઈન શોધવી પોલીસ માટે મોટો પડકાર છે.

આ પણ વાંચો: Rajkot: સરાઝા હોટલમાં દારૂ-હુક્કાની હાઈપ્રોફાઈલ મહેફિલ; બર્થ-ડે પાર્ટીમાંથી 33 મહિલા-43 પુરુષ ઝડપાયા, લાઈટો બંધ કરી મોં છુપાવવા કપડાં અપાયા!