રાજકોટમાં સરકારી જમીનમાં પ્લોટ ઉભા કરી વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના મહિકા ગામમાં 4 એકર જેટલી સરકારી જમીન ઉપર 300 જેટલા પ્લોટ બનાવી બારોબાર વેચી નાખીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં કલેક્ટર તંત્ર દ્વારા શિવમ પાર્ક રેસીડેન્સીના રહીશોને જગ્યા ખાલી કરાવવા બાબતે નોટિસ ફટકારવામાં આવતા બિલ્ડર તેમજ તેના મળતીયાઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
15 દિવસમાં જમીન ખાલી કરી દેવાની નોટિસ ફટકારવામાં આવતા રહીશોના જીવ અધ્ધરતાલ
40 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ઉપર શિવમ પાર્ક નામની રેસીડેન્સી ઉભી કરી દેવામાં આવી છે. મહિકા ગ્રામ પંચાયત દ્વારા પાણી તેમજ ભૂગર્ભના કનેક્શનનો પણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં સમગ્ર મામલાની જાણ રાજકોટ તાલુકા મામલતદારને કરવામાં આવી છે. મોટા માથાઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાને શક્યતાઓ છે. ત્યારે એક દાયકા કરતાંથી વધુ સમયથી અહીંયા વસવાટ કરનારા રહીશોને જગ્યા ખાલી કરાવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે સ્થાનિકોએ મુકેશ પટેલ, ભુપત ટાંક સહિતના વ્યક્તિઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે સમગ્ર મામલે હજુ સુધી કલેક્ટર તંત્ર તેમજ સ્થાનિક રહીશો દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. ત્યારે હાલ તો તંત્ર દ્વારા 15 દિવસમાં જમીન ખાલી કરી દેવાની નોટિસ ફટકારવામાં આવતા અહીંના રહીશોના જીવ અધ્ધરતાલ થઈ ગયા છે.
વિદ્યાર્થીઓ શિક્ષણ માટેની જગ્યા માટે વલખા મારી રહ્યા છે
બીજી તરફ રાજકોટના જસદણમાં કુંદણી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટેની જગ્યા માટે વલખા મારી રહ્યા છે. સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્રને જસદણ પંથકમાં કોઈપણ પ્રકારનું પ્રાધાન્ય ન મળતું હોય અને દેશનું ભવિષ્ય ધૂંધળું થતું હોય તેવી એક કહાની સામે આવી છે. જેમાં જસદણના કુંદરી સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષણ માટેની જગ્યા માટે વલખા મારી રહ્યા છે.









