રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ભંગારના ધંધાર્થીઓ ઉપર લગામ કસવા માટે રેવન્યુ તંત્ર મેદાનમાં આવ્યું છે.મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ધાડ,લૂંટ, ચોરી અને ઘરફોડના બનાવોને અટકાવવા માટે વાર્ષિક 200 કરોડના ટર્ન ઓવર ધરાવતા ભંગારના ધંધાર્થીઓ ઉપર કેટલાક કડક નિયંત્રણ લાદવામાં આવ્યા છે.
જમીનના માલિકનું ધંધા અંગેનું સંમતિ પત્રક પણ મેળવવું પડશે
અધિક કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં નવા નિયમ મુજબ ભંગારનો ધંધો કરતા વેપારીઓ જે જગ્યાએ ધંધો કરે છે તે જગ્યા પોતાની માલિકીની હોય તો તેના માલિકીના દસ્તાવેજો રાખવા પડશે અને જો ભાડાની જગ્યા હોય તો ભાડાકરાર કરવો પડશે એટલું જ નહીં જમીનના માલિકનું ધંધા અંગેનું સંમતિ પત્રક પણ મેળવવું પડશે. ગેરકાયદેસર જમીનમાં ભંગારનો ધંધો કરી શકાશે નહીં.
પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ લાવીને રાખવાનું રહેશે
આ ઉપરાંત વેપારીઓએ પોતે જ્યાં મૂળ વતની હોય ત્યાંથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ લાવીને રાખવાનું રહેશે અને હાલમાં જે જગ્યાએ રહેતા હોય ત્યાંનું પણ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવીને રાખવાનું રહેશે. ભંગારના ધંધામાં જેટલા માણસો કામે રાખેલ હોય તેઓના પણ મૂળ વતનના અને હાલમાં જ્યાં રહેતા હોય ત્યાંના પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશન કરાવવાનું રહેશે.કોઈપણ વાહન વેચવા આવે ત્યારે અસલ આર.સી.બુક વિના વેચાણ કે ખરીદી કરી શકાશે નહીં અને વાહનના એન્જિન નંબર તથા ચેસિસ નંબર અને રજીસ્ટ્રેશન સાથેની માહિતીની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડશે.
વાર્ષિક 200 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે
ઉપરાંત ભંગાર કોની પાસેથી ખરીદ્યો અને કોને વેચ્યો તે વ્યક્તિના નામ, મોબાઈલ નંબર અને આધારકાર્ડ સાથેના અલગ-અલગ ખરીદ અને વેચાણ રજીસ્ટર નિભાવવા પડશે. દિવાળી જેવા તહેવારો નજીકમાં છે ત્યારે ભંગારનો વ્યવસાય કરોડો રૂપિયામાં પહોંચી જાય છે.એક અંદાજ મુજબ જિલ્લામાં 2000થી વધુ ધંધાર્થીઓ અને ફેરિયાઓ છે અને રાજકોટના રવિવારી બજારમાં વાર્ષિક 200 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે.આ જાહેરનામું તા.31/10 સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર સામે BNS-2023 ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
પોલીસ તંત્રની દરખાસ્ત બાદ નિર્ણય કરાયો
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા ગત તા.19/06/2026ના રોજ દરખાસ્ત કરવામાં આવી હતી કે,રાજકોટ શહેરને અડીને આવેલા મેટોડા, પડધરી, શાપર, કોટડાસાંગાણી જેવા GIDC વિસ્તારોમાં મિલકત સંબંધી ગુનાઓ અવારનવાર બને છે.તપાસમાં ખૂલ્યું છે કે,આ ગુનાઓ પાછળનું એક મોટું કારણ ભંગારનો ધંધો કરતા ઇસમો છે.મોટાભાગના ભંગારનો ધંધો કરનાર અને ભંગારની ફેરી કરનાર માણસો બહારના રાજ્યોના વતની હોય છે અને ગુનો કર્યા પછી પોતાના વતનમાં જતા રહેતા હોવાથી તેઓને પકડવા મુશ્કેલ પડે છે. જેથી ભંગારના ધંધા પર કાયદાકીય નિયંત્રણ જરૂરી છે.
આ પણ વાંચોઃ Gandhinagar News : તમે આવેદનો અને રજૂઆતો વાંચો છો ખરા? કેબિનેટ બેઠકમાં CMએ સેક્રેટરીઓને ઝાટક્યા