રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ તસ્કરો દિન-પ્રતિદિન વધુ બેફામ બની રહ્યા છે. શહેરમાં ચોરી અને લૂંટફાટના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટના પ્રખ્યાત ઔદ્યોગિક વિસ્તાર ઉમાકાંત ઉદ્યોગનગરમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક એન્જિનિયરિંગ કારખાનામાં તસ્કરોએ રાત્રિના સમયે ત્રાટકીને બિન્ધાસ્ત રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.


રાત્રિના અંધારામાં કારખાનામાં ઘૂસ્યો ચોર

મળતી માહિતી મુજબ, ઉમાકાંત ઉદ્યોગનગરમાં આવેલા 'શ્રી ખોડલ એન્જિનિયરિંગ' નામના કારખાનાને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે જ્યારે કારખાનામાં કામ કરતા શ્રમિક કારીગરો દિવસભરનો થાક ઉતારવા માટે ગાઢ નિદ્રામાં સૂતા હતા, ત્યારે એક અજાણ્યો ચોર કોઈ પણ જાતના ડર વગર કારખાનાની અંદર બિન્ધાસ્ત રીતે ઘૂસ્યો હતો. આ તસ્કરે ત્યાં સૂતેલા નિર્દોષ કારીગરોના કિંમતી મોબાઈલ ફોન અને રોકડ રકમ ભરેલા પાકીટની ચોરી કરી હતી અને પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

સવારે જ્યારે કારીગરો જાગ્યા ત્યારે પોતાના મોબાઈલ અને પાકીટ ગાયબ હોવાનું જણાતા કારખાના માલિકને આ અંગે જાણ કરવામાં આવી હતી. કારખાનાના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરતાં એક શખ્સ ચોરી કરતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. આ વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને તેના આધારે તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: