રાજકોટનું અત્યાધુનિક એસ.ટી. બસ પોર્ટ, જે દરરોજ હજારો મુસાફરોની અવરજવરથી ધમધમે છે, તે અત્યારે મુસાફરી સુવિધાના કારણે નહીં પરંતુ તેની અંદર ચાલતી શંકાસ્પદ સ્પા પ્રવૃત્તિઓના કારણે વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. 12 દિવસ પહેલાં સ્થાનિક પોલીસની ટીમે બાતમીના આધારે બસ પોર્ટની અંદર આવેલા એક સ્પા સેન્ટર પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે સ્પાની આડમાં ત્યાં અનૈતિક દેહવિક્રયનો વેપાર ચાલી રહ્યો હતો. પોલીસે ત્યાંથી ૫ પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી હતી અને લંપટ ગ્રાહકો તેમજ સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્પા સેન્ટર એક બંધ થયું પણ 12 ચાલુ
આ દરોડા બાદ વહીવટી તંત્ર દ્વારા આખા બસ પોર્ટનું ચેકિંગ કરવામાં આવશે તેવી આશા હતી, પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર આજે પણ બસ પોર્ટ બિલ્ડિંગના અલગ-અલગ ફ્લોર પર 12 થી વધુ સ્પા સેન્ટરો બેધડક રીતે ચાલી રહ્યા છે. સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે આ જ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરના વિસ્તારોમાં શહેરના નામાંકિત ટ્યૂશન ક્લાસીસ આવેલા છે. સવારથી સાંજ સુધી અહીં સેંકડો શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સગીર વયની યુવતીઓ અભ્યાસ અર્થે આવે છે. સ્પા સેન્ટરોની બહાર ઉભા રહેતા અસામાજિક તત્વો અને શંકાસ્પદ ગ્રાહકોના કારણે અહીંનું વાતાવરણ અત્યંત દૂષિત થઈ રહ્યું છે.










