રાજકોટમાં દીપોત્સવના મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી વચ્ચે વતન જતા અને પર્યટન સ્થળોએ ફરવા નીકળેલા હજારો મુસાફરોના ધસારાને પગલે રાજકોટ એસટી (GSRTC) વિભાગને બમ્પર આવક થઈ છે. દિવાળીના તહેવારોમાં મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે રાજકોટ ડિવિઝન દ્વારા આયોજનબદ્ધ રીતે માત્ર ત્રણ દિવસમાં 200 જેટલી વધારાની (એક્સ્ટ્રા) બસો દોડાવવામાં આવી હતી. આ સઘન વ્યવસ્થાના પરિણામે રાજકોટ એસટી નિગમને ત્રણ દિવસના ટૂંકા ગાળામાં જ ₹28 લાખની માતબર આવક નોંધાઈ છે. તહેવારના દિવસોમાં પરિવારથી દૂર રહીને મુસાફરોની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે ડિવિઝનના 1,978 જેટલા ડ્રાઈવર અને કંડક્ટરો રાત-દિવસ ખડેપગે ફરજ પર તહેનાત રહ્યા હતા.

રાજકોટ એસટી ડિવિઝનના સંચાલન અને સુવિધાઓ

દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ મુસાફરોની સંખ્યામાં બમણો ઉછાળો જોવા મળ્યો હતો, જેના થકી નિગમની તિજોરીમાં માત્ર 72 કલાકમાં ₹28  લાખ જમા થયા હતા.અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા અને કચ્છ સહિતના મુખ્ય રૂટો પર અગાઉથી થયેલા બુકિંગ અને વધારાના ટ્રાફિકને પહોંચી વળવા 200 વધારાની બસો ઓન-રોડ દોડાવવામાં આવી હતી.

ડ્રાઈવરો અને કંડક્ટરોએ ખંતપૂર્વક ફરજ બજાવી

તહેવારની રજાઓ માણવાને બદલે રાજકોટ ડેપો અને ડિવિઝન હેઠળના 1,978 જેટલા ડ્રાઈવરો અને કંડક્ટરોએ ખંતપૂર્વક ફરજ બજાવીને સંચાલન વ્યવસ્થાને અડચણમુક્ત રાખી હતી. દિવાળી અને બેસતા વર્ષ બાદ હવે ભાઈબીજથી લઈને લાભ પાંચમ સુધી લોકોની વતનથી પરત ફરવાની તેમજ પ્રવાસની અવરજવર ચાલુ રહેતી હોવાથી, નિગમ દ્વારા લાભ પાંચમ સુધી આ તમામ વધારાની બસ સેવાઓ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: Rajkot: દિવાળી પર્વે ફટાકડાથી 63 લોકો દાઝ્યા, આંખમાં ઈજાના 4 કેસ સહિત હોસ્પિટલોમાં કુલ 74 કેસ નોંધાયા