રાજકોટમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યા કરી લેવાનો કરુણ બનાવ સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર પોલીસ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. સેન્ટ્રલ જેલની પાછળ આવેલ માઉન્ટેન પોલીસ લાઇન ખાતેના પોતાના ક્વાર્ટરમાં ૨૭ વર્ષીય ભૂમિકાબા કનકસિંહ ચૌહાણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.


રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

બનાવની વિગત અનુસાર, ભૂમિકાબા ચૌહાણે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના માતા-પિતાએ વારંવાર ફોન કરવા છતાં કોન્સ્ટેબલે ફોન રિસીવ ન કરતાં તેઓ ચિંતાતુર થઈને સીધા તેમના ક્વાર્ટર પર પહોંચ્યા હતા. ક્વાર્ટરનો દરવાજો અંદરથી બંધ હોવાથી, દરવાજો તોડીને જોતા ભૂમિકાબા બેભાન હાલતમાં મળી આવ્યા હતા.


બીમારીના કારણે આત્મહત્યાનું તારણ

ભૂમિકાબાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પ્ર.નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુસાઈડ નોટમાં બીમારીનો કર્યો ઉલ્લેખ

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેમણે બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. પ્રાથમિક તારણ મુજબ, ભૂમિકાબા ચૌહાણને લાંબા સમયથી આંચકી અને વાઈ (Epilepsy)ની બીમારી હતી. આ બીમારીની હતાશામાં જ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેમણે અગાઉ પણ એક વખત ઝેરી પ્રવાહી પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2017માં પોલીસ ખાતામાં જોડાયેલા ભૂમિકાબા ચૌહાણના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક યુવાન અને ફરજનિષ્ઠ મહિલા કોન્સ્ટેબલના આ અકાળે અવસાનથી પોલીસ બેડામાં ઊંડો શોક ફેલાયો છે.



  • Follow us on: