રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે નેશનલ હાઈવે પર આવેલી ઠાકરધણી હોટલનું ગેરકાયદે દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવ્યો છે. કારણ કે આ હોટલ અનિરુદ્ધસિંહ જાડેજા સાથે સંકળાયેલી હોવાનું મનાઈ રહ્યું છે. તદુપરાંત અનિરુદ્ધસિંહે આ કાર્યવાહી પાછળ રાજકીય કિન્નાખોરીના ગંભીર આક્ષેપો કર્યા હતા.


કાર્યવાહી બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના આકરા પ્રહાર

થોડા સમય પહેલા રીબડા અને આસપાસના ગામોના આગેવાનો અને સરપંચો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના મળતિયાઓ દ્વારા અનેક જગ્યાઓએ સરકારી જમીન પર દબાણ કરીને હોટલો અને અન્ય બાંધકામો ઊભા કરવામાં આવ્યા છે. આ રજૂઆતના આધારે તંત્ર દ્વારા આજે ઠાકરધણી હોટલનું દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહી બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ આકરા પ્રહારો કર્યા હતા.

રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા મામલો જટિલ બન્યો

તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કાર્યવાહી જયરાજસિંહ જાડેજાના કહેવાથી કિન્નાખોરી રાખીને કરવામાં આવી છે. વધુમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગણેશ ગોંડલનું સન્માન કરવાની ના પાડતા મારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાથી ગોંડલ પંથકના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. સરકારી જમીન પરના દબાણ હટાવવાની કાર્યવાહી સામે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા મામલો વધુ જટિલ બન્યો છે. હવે જોવું રહ્યું કે આ મામલો કઈ દિશામાં આગળ વધેશે.

  • Follow us on: